વિશ્વ પ્રખ્યાત પાટક’સ ફૂડ બ્રાન્ડના ભૂતપૂર્વ વડા કિરીટભાઇ પાઠકનું શનિવારે તા. 23ના રોજ દુબઇમાં થયેલી કાર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુર્ભાગ્યવશ દુ:ખદ અવસાન થયું છે. માનવામાં આવે છે કે રવિવાર, તા. 17 જાન્યુઆરીના રોજ 68 વર્ષીય કિરીટભાઇ પાઠકની કારને અકસ્માત થયો હતો.

યુકેમાં એશિયન ફૂડ ક્ષેત્રના અગ્રણી, કિરીટભાઇ પત્ની મીના સાથે, પાટક’સ બ્રાન્ડની અતુલ્ય સફળતા પાછળના ચાલક ગણાતા હતા. તેમણે વર્ષ 2007માં £66 મિલિયનનું ટર્નઓવર ધરાવતી કંપની અહેવાલ મુજબ £200 મિલિયનમાં પ્રિમાર્કના માલિકોની એસોસિએટેડ બ્રિટીશ ફૂડ્સ (એબીએફ)ને વેચી હતી.

કિરીટે ભારતમાં પાટક’સ બ્રાન્ડના ભારત ખાતેના હક્કો જાળવી રાખ્યા હતા અને તેમને એબીએફના કમ્બાઇન્ડ વર્લ્ડ ફૂડ્સ જૂથના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેમાં પાટક્સનો પણ સમાવેશ થાય છે, જ્યારે મીનાબેન ડિરેક્ટર બન્યા હતા. કિરીટભાઇ અને તેમના પત્ની મીનાબેન તેમના વ્યવસાયના વેચાણ બાદ દુબઇ સ્થાયી થયા હતા અને તેમનો સમય યુએઈ, ભારત અને યુકે વચ્ચે ફાળવતા હતા.

એબીએફના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોર્જ વેસ્ટને જણાવ્યું હતું કે, ‘’અમે કિરીટભાઇના નિધનને પગલે “ખૂબ વ્યથિત” થયા છીએ અને આ ખૂબ જ દુ:ખદ સમયે કિરીટભાઇના પત્ની મીના અને તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે અમારી ખૂબ જ સહાનુભૂતિ છે. કિરીટ એક મહાન માણસ હતો જેમનામાં ઉદ્યોગસાહસિક ચીનગારી, વ્યાવસાયિક કુશળતા અને ઑથેન્ટીક ઇન્ડિયન કુઝીન પ્રત્યેનો ઉત્સાહ હતો. તેમણે અને મીનાએ તેને એક અતુલ્ય વ્યવસાય બનાવી લાખો ઘરોમાં રસોઈ બનાવવાની એક અલગ શૈલી રજૂ કરી હતી. કિરીટ અને તેના કુટુંબીઓએ ઘરે જમવાની રીતમાં ક્રાંતિ કરી હતી અને તેઓ એક વારસો છોડી ગયા હતા. જે સેંકડો લોકોને રોજગારી તો આપે જ છે પરંતુ દરરોજ વિશ્વભરમાં લાખો ઘરોમાં ભોજનનો આનંદ પણ આપે છે.”

એબીએફના મેનેજિંગ ડિરેક્ટર, એન્ડી મેહ્યુએ કિરીટભાઇને “સ્વપ્નદ્રષ્ટા નેતા” ગણાવતાઉમેર્યું હતું કે “કિરીટ 13 વર્ષોથી મારો મિત્ર અને માર્ગદર્શક રહ્યો છે અને હું તેની સારી કંપની અને શ્રેષ્ઠ સલાહ બંનેને ખૂબ જ ગુમાવીશ. હું જાણું છું કે તેની ખોટનો આંચકો એબી વર્લ્ડ ફુડ્સ અનુભવશે અને અમે આ મુશ્કેલ સમયે તેના પરિવારની પડખે છીએ અને શ્રધ્ધાંજલિ આપીએ છીએ.’’

ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાતના પબ્લિશર્સ, એશિયન મીડિયા ગ્રુપ (એએમજી)ના મેનેજિંગ એડિટર, કલ્પેશ સોલંકી અને એક્ઝિક્યુટિવ એડિટર, શૈલેષ સોલંકીએ કહ્યું હતું કે “સોલંકી પરિવાર અને એએમજી વતી કિરીટભાઇના દુ:ખદ અવસાન અંગે અમે મીનાબેન અને તેમના પરિવારને હાર્દિક સંવેદના પાઠવીએ છીએ. કિરીટભાઇ પાઠક સાચા સ્વપ્નદ્રષ્ટા હતા, જેઓ લાખો બ્રિટિશ ઘરોમાં ભારતીય ખોરાક લાવ્યા હતા. તેઓ કરિયાણા ઉદ્યોગના અગ્રણી હતા. જેમણે એશિયન ફૂડ, રેસ્ટૉરન્ટ અને રિટેલ ક્ષેત્રે વિરાટ પ્રદાન કર્યું હતું. કિરીટભાઈ અને મીનાબેન અમારા નજીકના પારિવારિક મિત્રો હતા. કિરીટભાઇના પિતા, લખુભાઇ પાઠક અને અમારા પિતા રમણિકલાલ સોલંકી, નજીકના મિત્રો અને સમકાલીન હતા, જેઓ આપણા સમુદાયની ખૂબ પ્રશંસા મેળવીને આદરણીય પ્રણેતા બન્યા હતા. તા. 1 એપ્રિલ 1968ના રોજ પ્રકાશિત ગરવી ગુજરાતના પ્રથમ અંક પણ પાટક’સની જાહેરાત ધરાવે છે અને તે એક એવો સહયોગ હતો જેની અમને કદર અને મૂલ્ય છે. કિરીટભાઈના નિધનથી એશિયન સમુદાય અને કરિયાણાના ઉદ્યોગને બહુ મોટું નુકસાન થયું છે.”

પાટક’સ હાલમાં બ્રિટનની 10,000 જેટલી ભારતીય રેસ્ટોરન્ટ્સના 90 ટકા લોકોને અને સુપરમાર્કેટ્સને કરી પેસ્ટ, ચટણી, અથાણાં, પાપડ, તૈયાર ભોજન અને અન્ય ખાદ્ય ઉત્પાદનો સાથે સ્થાનિક કરિયાણિ પૂરા પાડે છે. તેઓ ભારત સહિત 90થી વધુ દેશોમાં કરી, ચટણી, અથાણાં અને બ્રેડની નિકાસ પણ કરે છે.

1956માં કિરીટભાઇના પિતા લક્ષ્મીશંકર અને માતા શાંતાગૌરી તેમના ખિસ્સામાંથી ફક્ત £5 લઇને કેન્યાથી યુકે આવ્યા હતા અને ત્યારે પાટક્સની આશ્ચર્યજનક કથા શરૂ થઈ હતી. લંડનમાં શ્રી પાઠકને શેરીઓમાં સફાઇનુ કામ મળી રહ્યું હતું, પરંતુ તેમની પત્નીના પ્રોત્સાહનને પગલે તેમણે આઠ લોકોના કુટુંબનું ભરણપોષણ કરવા ભારતીય ભોજન બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું હતું. દંપતીએ કેન્ટિશ ટાઉન, લંડનના ફ્લેટના રસોડામાંથી ફૂડનો ધંધો શરૂ કર્યો હતો અને મુખ્યત્વે દક્ષિણ એશિયન ગ્રાહકોને સેવા આપવા દિવસના 18 કલાક સમોસા અને ભારતીય મીઠાઈઓ બનાવતા હતા. તો બાળકો સ્કૂલ પછી તેમાં મદદ કરતા.

છ વર્ષની ઉંમરથી કિરીટભાઇ કામકાજી છોકરા તરીકે જોડાયા હતા અને ફૂડની ડીલીવરી કરતા. તેમણે 1950ના અંતમાં હ્યુસ્ટન સ્ટેશન પાસે નાનકડી દુકાન શરૂ કરી હતી અને 1961માં બેયઝવોટરમાં બીજો સ્ટોર ખોલ્યો હતો. 1962માં તેઓ નોર્ધમ્પ્ટનશાયરમાં રૂપાંતરિત મીલમાં સ્થાયી થયા હતા.

1965માં શાકભાજીનો એક ઓર્ડર રદ થતા તેઓ લગભગ નાદાર થાય તેમ હતું પરંતુ તેમણે તેમાંથી ચટણી અને અથાણા બનાવીને વેચતા તેમને નવી લાઇન મળી હતી. બ્રિટિશ લોકો માટે પાટક બોલવું સરળ હોવાથી તેમણે તેમની બ્રાન્ડના નામમાંથી ‘એચ’ કાઢી નાંખ્યો હતો.

કિરીટ અને મીનાને ખાદ્ય ઉદ્યોગમાં તેમની સેવાઓ બદલ OBE આપવામાં આવ્યા હતા. તેઓ પત્ની અને ત્રણ સંતાનો 43 વર્ષીય નીરજ, નયન (41) અને અંજલી (39) સહિત વિશાલ પરિવારને વિલાપ કરતાં છોડી ગયા છે.