જગુઆર
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ટાટા ગ્રુપની માલિકીની જગુઆર લેન્ડ રોવરે પીબી બાલાજીને તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે નિયુક્ત કર્યા છે. બાલાજી આ જાણીતી બ્રિટિશ બ્રાન્ડનું ટોચનું સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યાં છે. બાલાજી એડ્રિયન માર્ડેલનું સ્થાન લેશે. ત્રણ વર્ષ CEO તરીકે અને કંપનીમાં 35 વર્ષ રહ્યાં પછી માર્ડેલે JLRમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ટાટા મોટર્સે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે હાલમાં ટાટા ગ્રુપના ગ્રુપ સીએફઓ તરીકે બાલાજી આ વર્ષના નવેમ્બરથી જેએલઆરના સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. JLRના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 4 ઓગસ્ટના રોજ યોજાયેલી તેમની બેઠકમાં JLRના CEO તરીકે માર્ડેલના અનુગામી તરીકે બાલાજીની નિમણૂકને મંજૂરી આપી છે. બાલાજી નવેમ્બર 2025થી આ ભૂમિકામાં જોડાશે. માર્ડેલ તેમના કરારના અંત સુધી પરિવર્તન દરમિયાન સમર્થન ચાલુ રાખશે.

ટાટા મોટર્સ, ટાટા સન્સ અને જગુઆર લેન્ડ રોવર પીએલસીના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે જેએલઆરના શાનદાર ટર્નએરાઉન્ડ અને રેકોર્ડ પરિણામો બદલ હું એડ્રિયનનો આભાર માનું છું. બાલાજીને કંપનીના આગામી સીઈઓ તરીકે નિયુક્ત કરતા મને આનંદ થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બોર્ડે JLRનું નેતૃત્વ કરવા માટે યોગ્ય ઉમેદવારની શોધ હાથ ધરી હતી, અને કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી બાલાજીની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. તેઓ ઘણા વર્ષોથી કંપની સાથે સંકળાયેલા છે તથા કંપની, તેની વ્યૂહરચનાથી પરિચિત છે અને JLRની લીડરશીપ ટીમ સાથે કામ કરી રહ્યા છે.

બાલાજી નવેમ્બર 2017થી ટાટા મોટર્સ ગ્રુપના ગ્રુપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે તથા ઓટોમોટિવ અને કન્ઝ્યુમર ગુડ્સ ઉદ્યોગોમાં ફાઇનાન્સ અને સપ્લાય ચેઇન કાર્યોમાં 32 વર્ષનો અનુભવ ધરાવતા એક જાણીતા વૈશ્વિક લીડર છે.તેમણે IIT-ચેન્નઈમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech અને IIMમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યો છે.

LEAVE A REPLY