મહારાણી એલિઝાબેથના આઠ પૌત્રોમાંથી સૌથી મોટો પૌત્ર પીટર ફિલિપ્સ લગ્નના 12 વર્ષ પછી તેની કેનેડિયન પત્ની ઑટમ સાથે ડાયવોર્સ લેશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 2008માં લગ્ન કર્યા પછી આ દંપતીને 2 બાળકો સવાના (9 વર્ષ) અને ઇસ્લા (7 વર્ષ) છે. કપલે આ નિર્ણય તો ગયા વર્ષે જ લઈ લીધો હતો અને શાહી પરિવારના સભ્યોને તે વિષે જાણ પણ અગાઉ જ કરાઈ હતી. અલગ થવા છતાં તેઓ પોતાના સંતાનોની જવાબદારી સંયુક્ત રીતે લેશે. બન્નેના પરિવારોએ આ નિર્ણયને દુખદ ગણાવ્યો હતો અને છતાં પ્રિન્સ તથા તેની પત્નીને આ નિર્ણયમાં તેમનું સમર્થન હોવાનું પણ જણાવાયું છે.

42 વર્ષનો ફિલિપ્સ રાણી એલિઝાબેથની પુત્રી પ્રિન્સેસ એનનો પુત્ર છે અને સિંહાસન માટેના વારસ તરીકે તેનો ક્રમ 15મો છે. તે અને ઑટમ 2003માં મોન્ટ્રીયલ ગ્રાન્ડ પ્રિકસ વખતે મળ્યા હતા. તે વખતે તે ફોર્મ્યુલા 1 રેસીંગ ટીમ બીએમડબ્લ્યુ વિલિયમ્સ માટે કામ કરતો હતો જ્યારે ઑટમ બીએમડબ્લ્યુ હોસ્પિટાલિટી સ્યુટ માટે કામ કરતી હતી.

તેમણે રાણીના વિન્ડસર કેસલ ખાતેના નિવાસસ્થાને લગ્ન કર્યા હતા. ફિલિપ્સ પાસે કોઈ શાહી ખિતાબ નથી અને તે શાહી પ્રસિધ્ધિથી દૂર રહેવા માંગે છે. જોકે, તેણે 2016માં રાણીનો 90મો જન્મદિવસ ઉજવવા બકિંગહામ પેલેસની સામે એક વિશાળ સ્ટ્રીટ પાર્ટી ગોઠવી હતી. 93 વર્ષના મહારાણી શાહી પરિવાર માટે એક પછી એક આવતા આવા સમાચારથી ખૂબ જ વિચલિત કે નારાજ થશે એમ લાગે છે. પીટર ફિલિપ્સ હંમેશાં મહારાણી અને પ્રિન્સ ફિલિપનો પ્રિય રહ્યો છે.