due to record inflation
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પીએફના રેટમાં કાપ મૂકીને દેશના કરોડો કર્મચારીઓને ફટકો માર્યો છે. 2021-22ના ચાલુ નાણાકીય વર્ષ માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડની જમા રકમ પરના વ્યાજદરને અગાઉના વર્ષના 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યા છે. આ વ્યાજદર આશરે ચાર દાયકાના નીચા સ્તરે છે. અગાઉ 1977-78ના વર્ષમાં પીએફના વ્યાજદર 8 હતા. વ્યાજદરમાં કાપના નિર્ણયથી આશરે 6 કરોડ કર્મચારીઓને ફટકો પડશે.

શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય શ્રમ અને રોજગારી પ્રધાન ભૂપેન્દ્ર યાદવના વડપણ હેઠળ યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)એ ચાલુ નાણાકીય વર્ષ માટે 8.1 ટકા વ્યાજદરની ભલામણ કરી છે. સેન્ટ્રલ બોર્ડે 2021-22ના નાણાકીય વર્ષ માટે સભ્યોના પીએફ ખાતામાં 8.10 ટકા વાર્ષિક વ્યાજ જમા કરવાની ભલામણ કરી છે.

આ ભલામણ હવે કેન્દ્રીય નાણામંત્રાલય પાસે મોકલવામાં આવશે, જે તેને મંજૂરી આપ્યા બાદ તેનું જાહેરનામું બહાર પાડશે.સરકારી ગેઝેટમાં સત્તાવાર રીતે આ વ્યાજદર નોટિફાઇ કરવામાં આવશે. તે પછી ઇપીએફઓ વ્યાજની રકમ કર્મચારીઓના પીએફ ખાતામાં જમા કરશે.

ઇપીએફઓએ 2020-21ના વર્ષ માટે પીએફ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજ આપ્યું હતું. જ્યારે 2018-19માં ઇપીએફ રેટ 8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે ઇપીએફઓએ તેના ડિપોઝિટ પરની કમાણીને આધારે આ વ્યાજદર નક્કી કર્યા છે. પીએફ ભંડોળમાં 13 ટકાનો વધારો થયો છે, પરંતુ તેની વ્યાજની આવક માત્ર 8 ટકા રહી છે.

કોરોના મહામારીને કારણે ઇપીએફઓની કમાણીને નેગેટિવ અસર થઈ છે. EPFOએ 2019-20ના નાણાકીય વર્ષમાં વ્યાજની ચુકવણીમાં વિલંબ કર્યો હતો અને બે હપતામાં રકમ ચુકવી હતી.પીએફની જમા રકમ પરની કમાણીમાં ઘટાડાને કારણે તે પછીના કેટલાંક વર્ષમાં પીએફ ખાતાધારકોને ચુકવામાં આવતા વ્યાજદરમાં ઘટાડો થયો હતો. ઉદાહરણ તરીકે 2017-18ના વર્ષમાં સંગઠને 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. 2016-17ના વર્ષમાં વ્યાજદર 8.65 ટકા હતો.

પીએફ ખાતામાં 8.1 ટકા વ્યાજ આપ્યા બાદ EPFO પાસે આશરે રૂ.450 કરોડની સરપ્લસ રકમ રહેશે. કર્મચારી પ્રતિનિધિઓએ ઊંચા વ્યાજદરની માગણી કરી હતી, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટીઃ)એ 8.1 ટકા વ્યાજદર નક્કી કર્યો છે. સીબીટીના એક સભ્યે જણાવ્યું હતું કે આ વ્યાજદર ભારતના અર્થતંત્રની હાલની સ્થિતિનો સંકેત આપે છે. EPFOને મોટા ભંડોળમાંથી પણ ઊંચું વળતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

EPFO તેની વાર્ષિક આવકમાંથી 85 ટકા રકમ સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડ જેવા દેવા સાધનોમાં રોકે છે, જ્યારે 15 ટકા રકમ ઇટીએફ મારફત શેરબજારમાં રોકે છે. દેવા સાધનો અને શેરબજાર બંનેમાંથી થયેલી કમાણીને કારણે વ્યાજની ચુકવણી કરવામાં આવે છે.

શ્રમ મંત્રાલયના નિવેદનમાં વ્યાજદરમાં કાપ માટે કોઇ કારણો આપવામાં આવ્યા નથી. તેમાં જણાવાયું છે કે રોકાણ પ્રત્યે સાવચેત અભિગમ હોવા છતાં એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ છેલ્લાં ઘણા વર્ષોમાં સતત ઊંચું વળતર મેળવ્યું છે, જેનાથી કોઇ જોખમ વગર પીએફ ખાતાધારકોને ઊંચું વ્યાજ આપી શક્યું છે.

ચૂંટણીમાં વિજય પછી જનતાને ભાજપની રિટર્ન ગિફ્ટઃ કોંગ્રેસના પ્રહારો

પીએફના વ્યાજદરમાં ઘટાડાના મુદ્દે સરકારની આકરી ટીકા કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિજયને પગલે ભાજપે જનતાને આપેલી આ ‘રિટર્ન ગિફ્ટ’ છે. કોંગ્રેસના મહામંત્રી અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે દેશના 84 ટકા લોકોની આવકમાં ઘટાડો થયો છે. ચૂંટણીમાં વિજયને આધારે કરોડો કર્મચારીઓની બચત પર ત્રાટકવાનું યોગ્ય છે.? સીપીઆઇ (એમ)એ પણ પીએફના રેટમાં ઘટાડાના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા કરતાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટ પછી સરકારે કર્મચારી વર્ગ પર વધુ હુમલા કર્યા છે.સીપીઆઇ (એમ)ના મહામંત્રી સીતારામ યેચુરી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટ પછી મોદી સરકારે બદલાની ભાવના સાથે કામદારો પર વધુ હુમલા કર્યા છે. બેરોજગારી અને મોંઘવારીની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે આવા હુમલાનો અમે પૂરી ક્ષમતાથી સામનો કરીશું.