REUTERS/Pawan Kumar

ઉત્તરપ્રદેશની તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં આશરે અડધાથી વધુ હિન્દુ મતદાતાએ ભાજપને મત આપ્યો છે, જ્યારે આશરે 79 ટકા મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને મત આપ્યો હતો. 2017ની તુલનામાં ભાજપના મુસ્લિમ મતદાતામાં નજીવો વધારો થયો છે. આશરે આઠ ટકા મુસ્લિમ મતદાતોએ ભાજપના ગઠબંધનને મત આપ્યો હતો.
CSDS-લોકનીતિના ચૂંટણી પછીના એક સર્વેમાં આ વિગતો બહાર આવી છે. સમાજવાદી પાર્ટીને 26 ટકા હિન્દુ મતદાતાનું સમર્થન મળ્યું હતું, જે અગાઉની વિધાનસભાની ચૂંટણીના 18 ટકા કરતા વધુ છે. અહીં ઉલ્લેખનીય છે કે સપાના વડા અખિલેશ યાદવે ભાજપની હિન્દુ મતબેંકમાં ગાબડુ પાડવા ચૂંટણીપ્રચાર દરમિયાન ઘણા મંદિરોની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ચૂંટણીને 80 વિરુદ્ધ 20ની લડાઈ ગણાવી હતા. યુપીમાં 80 ટકા હિન્દુ અને 20 ટકા મુસ્લિમોની વસતિ છે.

સર્વેના તારણ મુજબ ભાજપને 54 ટકા હિન્દુ મતદાતાનું સમર્થન મળ્યું હતું, જે 2017માં 47 ટકા હતું. બીએસપીને 14 અને કોંગ્રેસને બે ટકા હિન્દુઓએ મત આપ્યો હતો. ભાજપ અને તેના સહયોગી પક્ષોને યુપીની કુલ 403માંથી 273 બેઠકો મળી છે, જ્યારે સપાના ગઠબંધનને 125 બેઠકો મળી છે.

સરવેમાં જણાવાયા અનુસાર આશરે 79 ટકા મુસ્લિમ મતદાતાએ સપા પર પસંદગી ઉતારી હતી. આની સામે 2017માં 46 ટકા મુસ્લિમોએ સપાને સમર્થન આપ્યું હતું. મુસ્લિમ મતદાતામાંથી આશરે 8 ટકા મતદાતાએ ભાજપને વોટ આપ્યો હતો. અગાઉની ચૂંટણીમાં માત્ર ચાર ટકા મુસ્લિમોએ ભાજપના ગઠબંધનને વોટ આપ્યો હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં એકપણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો ન હતો.

યુપીના મતદાતાએ રામમંદિર, હિન્દુત્વ કરતાં વિકાસને વધુ પ્રાધાન્ય આપ્યું

યુપીની ચૂંટણીમાં મતદાતાએ રામ મંદિર અને હિન્દુત્વ કરતાં વિકાસ અને સરકારના વહીવટના મુદ્દાને વધુ મહત્ત્વ આપ્યું હતું. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર પ્રત્યે મતદાતામાં સંતોષનું પ્રમાણ યુપીની યોગી સરકાર કરતાં આશરે ત્રણ ગણુ વધુ રહ્યું હતું, જે દર્શાવે છે કે ભાજપને પુનરાગમન કરવામાં મોદી મેજિકથી મદદ મળી છે. બીજું રસપ્રદ તારણ એ છે કે ખેડૂતો અને બ્રાહ્મણનું ભાજપને વધુ સમર્થન મળ્યું છે. અનુસૂચિત જાતિ અને માયાવતીની મતબેન્ક જાટવમાં ભાજપની પહોંચમાં વધારો થયો છે. 38 ટકા મતદાતાએ વિકાસને પ્રધાન્ય આપ્યું હતુ, 10 ટકા મતદાતાએ સરકારના વહીવટને ટોચની પ્રાથમિકતા આપી હતી. માત્ર 2 ટકા મતદાતાએ રામમંદિર અને હિન્દુત્વના મુદ્દાને ધ્યાનમાં રાખ્યો હતો.