અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝરની ભારત ખાતેની પેટાકંપની ફાઇઝર ઇન્ડિયાએ ભારતમાં તેની કોરોના વેક્સિનના ઇમર્જરન્સી ઉપયોગ કરવા માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની રવિવારે મંજૂરી માગી હતી. ફાઇઝર ઇન્ડિયાની માલિક કંપની ફાઇઝર ઇન્કને બ્રિટન અને બહેરિનમાં કોરોના વેક્સિનના ઇમર્જરન્સી ઉપયોગની અગાઉ મંજૂરી મળેલી છે.

ભારતમાં કોરોના વેક્સિનનો ઉપયોગ કરવા માટે મંજૂરી માંગનાર ફાઈઝર પહેલી કંપની બની છે. ફાઈઝરને તાજેતરમાં જ બ્રિટિશ સરકારે ઇમર્જરન્સીમાં વેક્સિનનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપી દીધી છે. બીજી તરફ સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા પણ ઇમર્જરન્સી ઉપયોગ માટે અરજી થયેલી છે. સિરમ ઈન્સ્ટિટ્યુટ ભારતમાં ઓક્સફર્ડની વેક્સિન કોવિશિલ્ડના ઉપયોગ માટે મંજૂરીની રાહ જોઈ રહી છે.

વેક્સિનના ઇમર્જરન્સી ઉપયોગ માટેની મંજૂરી પહેલા વેક્સિનની અસર અને તેની સુરક્ષાનુ એનાલિસિસ કરીને આપવામાં આવતી હોય છે.આ માટે ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામોને ગણતરીમાં લેવાય છે. સામાન્ય રીતે કોઈ પણ વેક્સિનને મંજૂરી મેળવવામાં ઘણા વર્ષ લાગી જતા હોય છે પણ હાલમાં કોરોનાના કારણે જે પ્રકારની સ્થિતિ ભારતમાં છે તેના લીધે ઝડપથી મંજૂરીની ધારણા છે.

ફાઈઝરની વેક્સિનની ભારતમાં ટ્રાયલ થઈ નથી. કંપનીનો દાવો છે કે, આ વેક્સિન 95 ટકા અસરકારક છે.કંપનીએ ભારતને પણ મંજૂરી માટે બ્રિટન સરકારને જે ડેટા આપ્યો હતો તે આપવો પડશે. જોકે ફાઈઝર વેક્સિનની મોટી સમસ્યા તેના સ્ટોરેજની છે, કારણકે આ વેક્સિનને માઇનસ 70 ડિગ્રી ટેમ્પરેચરમાં સાચવવી પડે છે. ભારત જેવા દેશો પાસે આ પ્રકારના સ્ટોરેજની સુવિધાઓ નથી. અમેરિકામાં તેની કિંમત 40 ડોલર છે અને ભારતમાં તેની કિંમત વધારે હોઈ શકે છે.