અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલા 150 ભારતીયોન લઇને ઈન્ડિયન એરફોર્સનું વિમાન મંગળવારે સવારે 11 વાગ્યે જામનગર પહોંચ્યું હતું. (PTI Photo)

અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલા 150 ભારતીયોન લઇને ઈન્ડિયન એરફોર્સનું વિમાન મંગળવારે સવારે 11 વાગ્યે જામનગર પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત પરત લાવવા હવાઇદળનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 150થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 11.15 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું હતું. કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ પણ એરબેઝ ખાતે પહોંચ્યા હતા.

સુરક્ષિત પરત વતન પહોંચેલા ભારતીયોની આંખો ભીની થઈ હતી. કેટલાંક લોકોએ ભારત માતા કી જયના સૂત્રો પોકાર્યા હતા. રિપોર્ટ મુજબ જામનગર ખાતે પહોંચેલા મોટા ભાગના લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

પ્ત માહિતી પ્રમાણે સરકારે એક નિવેદનમાં કહ્યું કે, જેઓ પરત ફરવા માગે છે તેવા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ સિવાય અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓનો પણ સરકાર સંપર્ક કરી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે, તેમને ભારત લાવવામાં અમે મદદ કરીશું.’

આ વિમાાનમાં કાબુલ ખાતેના ભારતીય એમ્બેસીના સભ્યો અને આઇટીબીપી (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ)ના જવાનો હતો. તાલિબાનો સત્તા પર આવ્યા હોવાથી તેમને બહાર લાવવાની કવાયત સામે અનેક પડકારો આવ્યા હતા.