અમદાવાદમાં વરસાદનો ફાઇલ ફોટો (PTI Photo)

ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી ચોમાસાની આ સિઝનમાં વરસાદની સરેરાશ 48 ટકા ઘટ રહી છે. રાજ્ય માટે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો અડધો વિતી ગયો છે, પરંતુ વરસાદના કોઇ એંધાણ નથી, તેથી ખેડૂતો ચિંતામાં છે. રાજ્યમાં વાર્ષિક સરેરાશનો હજુ માત્ર 31 ટકા વરસાદ આવ્યો છે, એમ ભારતીય હવામાન વિભાગના ડેટામાં જણાવાયું હતું. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 311 મીમી વરસાદ આવ્યો છે. આની સામે વાર્ષિક સરેરાશ 831 મીમીની છે.

ઉત્તરગુજરાતમાં સિઝનનો 31 ટકા (224 મીમી), સૌરાષ્ટ્રમાં સિઝનનો 34 ટકા (239 મીમી), દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 42 ટકા (614 મીમી) વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં સિઝનનો 35 ટકા (239 મીમી) વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ માત્ર 50 ટકા વરસાદ આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે બે કે ત્રણ તબક્કામાં વરસાદ આવતો હોય છે અને તે ત્રણથી ચાર દિવસ ચાલુ રહેતો હોય છે, પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનો અત્યાર સુધી સુકો રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી થોડા દિવસોમાં વરસાદ આવી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ આવતો હોય છે. પરંતુ આગામી 15થી 20 દિવસ નિર્ણાયક બનશે.