વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા 16મા પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી વિશ્વની તમામ લોકશાહી કરતાં વધુ જીવંત અને વધુ કાર્યક્ષમ છે. નવી પેઢીના ટીનેજર્સ ભલે દેશની ધરતીથી દૂર વસતા હોય પરંતુ ભારત સાથેની તેમની લાગણી સુદ્રઢ રહી છે. ભારત સાથેનો સંબંધ તેમણે જાળવી રાખ્યો છે. આ વખતે કોરોના કાળમાં પણ ભારતના લોકોએ શાનદાર કામગીરી કરી હતી. યુવા પેઢીએ પોતાની પડોશીઓને ખૂબ જ મદદ કરી. કોરોના કાળે ભારતના લોકોમાં સેવાભાવ વધાર્યો છે. આ વખતે પ્રવાસી ભારતીય દિવસની થીમ ‘આત્મનિર્ભર ભારત’ની છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે જ્યારે ભારતની ઊર્જાને પડકારવામાં આવી ત્યારે ભારતે તેમને ખોટા સાબિત કર્યા હતા. ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે યુરોપના લોકો કહેતા હતા કે ભારત ક્યારેય સ્વતંત્ર ન થઇ શકે. ભારતે તેમને ખોટા ઠેરવ્યા હતા અને 1947માં સ્વતંત્રતા મેળવી બતાવી હતી. ભારત આઝાદ થયો ત્યારે આ લોકો એમ કહેતા હતા કે હવે આ દેશ સંગઠિત નહીં રહી શકે. ભારતે સંગઠિત રહીને એ લોકોને ખોટા સાબિત કર્યા.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતની લોકશાહી સૌથી વધુ જીવંત, સૌથી વધુ સફળ અને સમગ્ર વિશ્વ માટે સૌથી વધુ ઉદાહરણરૂપ બની રહી છે. તેમણે કહ્યું કે ભારતે દરેક સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ અમલમાં મૂક્યો હતો અને વિદેશી મૂડીરોકાણથી લઇને ત્રાસવાદનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. અત્યાર સુધીના જીવનના દરેક ક્ષેત્રમાં ભારતીયોએ માતબર પ્રદાન આપ્યું છે અને લોકશાહીને વધુ મજબૂત કરી હતી.
વિશ્વના દરેક દેશના નેતાએ ભારતને બિરદાવ્યું છે. વિશેષમાં કોરોના દરમિયાન ભારતે જે રીતે સંજોગોનો સામનો કર્યો તેની અન્ય દેશોએ પ્રશંસા કરી હતી.