ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીનું (94) શનિવારે ગાંધીનગરમાં નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદગતને ટ્વીટર દ્વારા શ્રદ્ધાંજલી પાઠવીને તેમના જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં માધવસિંહ સોલંકીનું ખૂબ મહત્ત્વનું પ્રદાન હતું. તેમના જવાથી એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હતો. વડાપ્રધાને તેમના પુત્ર અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે ફોન પર વાત કરીને પરિવારજનોને શાંતવના આપી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ સદગતને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સ્વ. સોલંકીના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે તા. 10 જાન્યુઆરી, રવિવારે બપોરે 03 થી 05 વાગ્યા સુધી રાખવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સોલંકીના નિધનને કારણે એક દિવસનો શોક પાળવાની અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ કર્યો છે.  મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય પ્રધાનમંડળની બેઠક ગાંધીનગરમાં મળી હતી તેમાં સ્વ.માધવસિંહ સોલંકી ને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ મુખ્યપ્રધાને શનિવારના તેમના મહિસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા હતા.
સ્વ. માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઇ, 1927ના રોજ આણંદ નજીકના બોરસદમાં ક્ષત્રિય પરિવારમાં થયો હતા. તેઓ વ્યવસાયે વકીલ અને પત્રકાર હતા. 1977માં તેઓ પ્રથમવાર થોડા સમય માટે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા. ગુજરાતમાં ‘ખામ’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરીના પ્રણેતા ગણાતા માધવસિંહે 1980માં પ્રથમવાર આ થિયરીનો અમલ કર્યો હતો અને તેથી બ્રાહ્મણ, વણિક, પટેલ જેવી જ્ઞાતિઓ તેમના વિરોધમાં હતી. તેઓ વિધાનસભામાં 149 ધારાસભ્યો સાથે ચૂંટાઇને મુખ્ય પ્રધાન બન્યા હતા અને આટલી બેઠકો જીતવાનો તેમનો રેકોર્ડ હજુ સુધી તૂટી શક્યો નથી. તેઓ ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની પણ સૌથી નજીક હતા અને તેમણે મધ્યાહન ભોજન યોજના પણ શરૂ કરાવી હતી. તેમણે વર્ષ 1981માં સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે અનામત શરૂ કરાવી હતી, જેના કારણે રાજ્યમાં હિંસક આંદોલનો થયા હતા.
1991માં વડાપ્રધાન પી. વી. નરસિંહરાવની સરકારમાં તેઓ વિદેશ પ્રધાન હતા અને ત્યારે બોફર્સ કૌભાંડમાં નરસિંહરાવની સૂચનાથી તેમણે સ્વીડનને એક પત્ર મોકલ્યો. જે અંગે વિવાદ થતા તેમણે પ્રધાનપદ ગુમાવવું પડ્યું હતું. જોકે, ત્યારબાદ ધીમેધીમે તેમની રાજકીય સક્રિયતા ઓછી થઇ ગઇ હતી. તેઓ સાહિત્યના ઉંડા અભ્યાસુ પણ હતા.