ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ-કિસાન યોજના હેઠળ નાણાકીય સહાયના 10મા હપતા પેટે દેશના આશરે 10.09 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આશરે રૂ.20,900 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી. મોદીએ એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ મારફત લાભાર્થીઓને આ રકમ પહોંચતી કરી હતી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ.6,000ની રોકડ સહાય કરવામાં આવે છે. આ રકમ રૂ.2,000ના ત્રણ હપતામાં ચુકવવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આશરે 351 ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ને રૂ.14 કરોડની ઇક્વિટી ગ્રાન્ટ પણ રીલિઝ કરી હતી. તેનાથી 1.24 લાખ ખેડૂતોને લાભ થશે. આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં નવા રાજ્યના મુખ્યપ્રધાનો, વિવિધ રાજ્યોના પ્રધાનો અને કૃષિ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે 2022ના નવા વર્ષના પ્રથમ દિવસે આશરે 10.09 કરોડ લાભાર્થીઓને આશરે રૂ.20,900 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખેડૂતોની આવકની બમણી કરવાના સરકારના પ્રયાસોને ભાગરુપે પીએમ કિસાન યોજના ચાલુ કરવામાં આવી છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને રૂ.1.8 લાખ કરોડની સહાય કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાની જાહેરાત ફેબ્રુઆરી 2019ના બજેટમાં કરવામાં આવી હતી. પ્રથમ હપતો ડિસેમ્બર 2018થી માર્ચ 2019ના સમયગાળા માટેનો હતો. સરકાર પીએમ કિસાનનો 9મો હપતો ઓગસ્ટ 2021માં છૂટો કર્યો હતો.