પૂણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટના વડા અદાર પૂનાવાલાએ જણાવ્યું કે બાળકો માટે તેમની રસી ‘કોવોવેક્સ’ આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં આવશે. જ્યારે, વયસ્કો માટેની રસી ઓક્ટોબર સુધીમાં આવશે. પૂનાવાલાએ શુક્રવારે ભારતના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરીને કોવિશિલ્ડ રસીના ઉત્પાદન અને પુરવઠા અંગે ચર્ચા કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, નાણાંની કોઈ અછત નથી. અમને જે મદદ મળી રહી છે તેના માટે અમે પીએમ મોદીના ખૂબ આભારી છીએ. યુરોપનાં 17 દેશોએ કોવિશિલ્ડને મંજૂરી આપી છે અને ઘણા મંજૂરી આપવાની તૈયારીમાં છે.
28 જુલાઈએ સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીના નિષ્ણાતોએ બે થી 17 વર્ષના બાળકો પર સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા નિર્મિત ‘કોવોવેક્સ’ રસીના બીજા તબક્કાના ટ્રાયલ માટે શરતી મંજૂરીની ભલામણ કરી છે. બીજા તબક્કાના ટ્રાયલમાં સીરમે સંશોધિત પ્રોટોકોલ રજૂ કર્યા હતા, જેમા બાળકોને સામેલ કરવાનો પ્રસ્તાવ હતો. જેને પ્રાથમિકતા આપતા, નિષ્ણાતોની સમિતિએ હવે બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે. જો આ ટ્રાયલ સફળ થશે તો બાળકોના રસીકરણનું શરૂ થશે.