ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. અહીં તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાને તમામ જવાનો સાથે વાતચીત પણ કરી હતી. વડાપ્રધાને જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પોતાનો એવો પરિવાર છે જેમના સાથે તેમણે પોતાની દરેક દિવાળી ઉજવી છે. તેમણે જણાવ્યું કે, પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને હવે વડાપ્રધાન તરીકે તેમણે પોતાની દરેક દિવાળી પોતાના આ પરિવાર સાથે જ ઉજવી છે. આ જવાનો અહીં સરહદે અડગ ઊભા રહે છે તેના કારણે જ આખો દેશ આરામની ઉંઘ લઈ શકે છે. તેમણે તમામ જવાનોને દેશનું સુરક્ષા કવચ ગણાવ્યા હતા તથા તેમના કારણે દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાયેલા હોવાનું કહ્યું હતું. જવાનોનો ઉત્સાહ વધારતા તેમણે તેમને વીરતાનું જીવતું-જાગતું ઉદાહરણ પણ ગણાવ્યા હતા.
મોદી જ્યારે વર્ષ 2014માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારથી હંમેશા તેઓ જવાનો સાથે દિવાળી પર્વ ઉજવી રહ્યા છે. આ વખતે તેઓ રાજૌરીના નૌશેરા સેક્ટર ખાતે દિવાળી ઉજવી રહ્યા છે.