વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોરોનાની સ્થિતિ અંગે મુખ્ય પ્રધાનો સાથેની બેઠક દરમિયાન પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો બોજ ઓછો કરવા માટે ભારત સરકારે ગત વર્ષે નવેમ્બરમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. રાજ્યોને પણ તેમના ટેક્સ ઘટાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. કેટલાક રાજ્યોએ અહીં ટેક્સમાં ઘટાડો કર્યો છે, પરંતુ કેટલાક રાજ્યોએ તેમના લોકોને તેનો લાભ આપ્યો નથી. રાજ્ય સરકારો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ, તમિલનાડુએ કોઇના કોઇ કારણસર કેન્દ્ર સરકારની વાત સાંભળી નથી અને તે રાજ્યોના નાગરિકો પર બોજો પડતો રહ્યો છે. હું પ્રાર્થના કરું છું કે નવેમ્બરમાં જે કરવાનું હતું, હવે વેટ ઘટાડીને તમે તેનો લાભ નાગરિકો સુધી પહોંચાડો.
પીએમ મોદીએ કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. આવા વાતાવરણમાં પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વૈશ્વિક કટોકટી ઘણા પડકારો લઈને આવી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તાલમેલ વધુ વધારવો અનિવાર્ય બની ગયો છે. આજની વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતની અર્થવ્યવસ્થાની મજબૂતી માટે આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું સંકલન પહેલાં કરતાં વધુ જરૂરી છે.