ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરનું સ્વાગત કર્યું હતું. (PTI Photo/Arun Sharma)

અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો અને સંરક્ષણપ્રધાન માર્ક એસ્પર સોમવારે નવી દિલ્હી પહોંચ્યાં હતા. તેઓ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની સાથે ત્રીજા તબક્કાની 2+2 બેઠકમાં ભાગ લેશે. આ મંત્રણામાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા માટેની દ્વિપક્ષીય ભાગીદારીને વેગ મળવાની ધારણા છે.

ચીનની સાથે સરહદ પર તંગદિલીની સ્થિતિ અને અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે મહત્વની બેઠક યોજાશે.
ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મીટિંગ મંગળવારે શરૂ થશે, પરંતુ સોમવારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થશે. આ પછી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, અને માઈક પોમ્પિયો વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકો બાદ સાંજે ડિનરનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં બેઝિક એક્સચેન્જ અને કોર્પોરેશન એગ્રીમેન્ટને આખરી ઓપ મળી શકે છે. આ સમજૂતી બાદ અમેરિકા ભારતની સાથે કેટલીક મહત્વની જાણકારીઓનું આદાનપ્રદાન કરશે. જેમાં સેટેલાઈટથી લઈને અન્ય મિલિટરી ડેટા સામેલ છે. સાથે જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પણ ચર્ચા થશે.

મંગળવારે બંને નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બેઠકો બાદ ભારત અને અમેરિકા સંયુક્ત નિવેદન જારી કરશે. ઉલ્લેખનીય છે કે ચીન સાથે જારી તણાવ વચ્ચે અમેરિકાએ કેટલીય વાર ખુલીને ભારતનો સાથે આપ્યો અને ચીન પર જ માહોલ બગાડવાનો આરોપ લગાવ્યો છે.