Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને તેમના પુરોગામીની જેમ સુરક્ષા અને ગુપ્ત માહિતીનુ બ્રિફિંગ મળતું નથી કારણ કે MI5 અધિકારીઓને તેમના પર વિશ્વાસ નહીં હોવાના અહેવાલો સન્ડે ટાઇમ્સે આપ્યા હતા. જો કે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શ્રીમતી પટેલ અને MI5 વચ્ચે “ગાઢ અને સઘન કાર્યકારી સંબંધો છે અને તેમના વિરુદ્ધ પાયાવિહોણા દાવાઓ ખોટા અને લોકહિતની વિરુદ્ધ છે.”
આક્ષેપો પછી MI5એ પટેલથી કેટલીક માહિતી છુપાવતા હોવાનુ નકારી કાઢી પટેલ કોઈક કાવતરાનો ભોગ બન્યા હોવાનુ જણાવ્યુ હતુ. જાસૂસી વડાઓએ એ આક્ષેપોને રદિયો આપ્યો હતો કે તેમને હોમ મિનિસ્ટર પ્રીતિ પટેલ પર વિશ્વાસ નથી. આ અગાઉ પ્રીતિ પટેલ પર તેમના વિભાગના સૌથી વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સર ફિલિપ રત્નમને બળજબરીથી કાઢી મુકવાના પ્રયાસનો પણ આરોપ મૂકાયો હતો.
વડાપ્રધાને પણ શ્રીમતી પટેલનું સમર્થન કર્યું છે અને તેમના સત્તાવાર પ્રવક્તાએ પત્રકારોને કહ્યું હતું કે બોરિસ જ્હોન્સનને હોમ સેક્રેટરી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. હોમ ઑફિસે જણાવ્યું હતું કે બોરિસ જ્હોન્સન વડા પ્રધાન બન્યા ત્યારથી હોમ સેક્રેટરી તરીકે સેવા આપતા પટેલ વિશે “કોઈ ઔપચારિક ફરિયાદો” થઈ નથી.
સિક્યુરીટી મિનીસ્ટર જેમ્સ બ્રોકનશાયરે બીબીસી બ્રેકફાસ્ટને કહ્યું હતું કે ‘’શ્રીમતી પટેલ વિશે ઘણી બધી ખોટી વાતો” ફેલાયેલી હતી અને હું ખોટા આક્ષેપોને માન્યતા આપતો નથી.” ભૂતપૂર્વ નેતા ઈયાન ડંકન સ્મિથે પણ પટેલ “ઉમદા” કામ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ.
ભૂતપૂર્વ એન્વાયર્નમેન્ટ મિનિસ્ટર થેરેસા વિલિયર્સે કહ્યું હતું કે “ઉચ્ચ સ્તરે પદે આરૂઢ મહિલાઓ વિરુદ્ધ લઘુતા ગ્રંથીથી પીડાતા લોકો બકવાસ કરતા જ હોય છે. હું ચોક્કસપણે નિશ્ચિત છું કે મિસિસ પટેલ સિવિલ સર્વન્ટ પાસે સખત કામ કરાવે છે પણ તેઓ સ્ટાફ સાથે કંઇ પણ અયોગ્ય કરતા નથી.’’ પ્રીતિ પટેલને તેમણે “અત્યંત અસરકારક હોમ સેક્રેટરી” ગણાવ્યા હતા. વિવાદ પછી કોમન્સમાં વરિષ્ઠ સંસદ સભ્યોએ હોમ સેક્રેટરીને સમર્થન આપી બિરદાવ્યા હતા.