કેલિફોર્નિયા અને ઓરેગન વાઇલ્ડફાયરના ધૂમાડાથી કેનેડાનું સૌથી મોટું ત્રીજું શહેર વાન્કુવર અંધારપટમાં ધકેલાયું છે. સામાન્યતઃ પર્વતના રમણીય નજારા સાગરના તાજા પવનો હાલમાં વિશ્વની સૌથી ગંદી હવામાં ફેરવાયા છે. 2.5 મિલિયન વસતવાળા મહાનગરના સત્તાવાળાઓ ગઇ આઠમીથી હવાની ગુણવત્તાની ચેતવણી આપી રહ્યા છે. આરોગ્ય સત્તાવાળાઓએ નાગરિકોને બારીબારણા બંધ રાખવા તથા સઘન કસરત કે બાહ્ય પ્રવૃત્તિ નહીં કરવાની સલાહ આપી છે. બ્રિટીશ કોલમ્બિયાના ડોક્ટરેટના વિદ્યાર્થી ફાતિમા જાફરે જણાવ્યું હતું કે તાજેતરમાં કોરોનાથી સાજા થયા બાદ હવે તેણીની સુગંધની ક્ષમતા ઘટી છે. બ્રિટીશ કોલમ્બિયામાં કોરોનાના એક્ટીવ કેસો 130 ટકા વધ્યા છે ત્યારે લોકોના શ્વાસને જંગલની આગનો ઘૂમાડો નુકસાન પહોંચાડી રહ્યો છે. ઘૂમાડાના કારણે લકોને કોરોનાના લક્ષણો અંગે ગૂંચવાડો થઇ રહ્યો છે. ઉત્તર વાન્કુવરમાં પત્ની અને પોતાના પાળેલા કૂતરા સાથે ચાલતા 64 વર્ષના બેરી અપલના કહેવા પ્રમાણે અડધો કલાક ચાલવાનું પૂરૂં ના થયું હોય ત્યાં ફેફસાં ભરાઇ જવા અને માથાનો દુઃખાવો થતો હોય છે.