(ANI Photo)
લગ્ન પછી અમેરિકામાં સ્થાયી થયેલી બોલીવૂડ ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ અત્યારે એક નવા ફિલ્મ પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે. પ્રિયંકા અને મહેશ બાબુ જાણીતા ફિલ્મકાર એસ.એસ. રાજામૌલીની જંગલ એડવેન્ચર આધારિત નવી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે અને તેઓ લાંબા સમયથી આ ફિલ્મનું ભારતમાં વિવિધ જગ્યાએ શૂટિંગ કરી રહ્યાં છે.
તેમણે થોડાં વખત પહેલાં ઓડિશામાં પણ શૂટિંગ કર્યું હતું, ત્યારબાદ તેઓ સમર વેકેશન બ્રેક પર હતાં. એક તરફ મહેશબાબુ અને પ્રિયંકાએ વેકેશન લીધું તો બીજી તરફ રાજામૌલી પોતાની ફિલ્મ ‘આરઆરઆર’ પરની ડોક્યુમેન્ટરી ‘બિહાઇન્ડ એન્ડ બિયોન્ડ’ નેટફ્લિક્સ પર જાપાનમાં રિલીઝ થવાની છે, તેના પ્રમોશન માટે જાપાન ગયા હતા. હવે સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં તેમણે ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે.
મહેશબાબુ અને પ્રિયંકા ચોપરા આવતા મહિનાથી કેન્યામાં શૂટિંગ શરૂ કરશે. જોકે, આ શૂટ માર્ચમાં શરૂ થવાનું હતું પરંતુ કેટલાક કારણોસર તેમણે આ શૂટ રીશીડ્યુલ કરવું પડ્યું હતું. હવે આ ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મનું સમગ્ર ક્રૂ અને કાસ્ટ ઇસ્ટ આફ્રિકા જશે. એવી ચર્ચા છે કે, ફિલ્મ શૂટિંગનો આ તબક્કો સૌથી મહત્વનો રહેશે. કારણ કે આ શિડ્યુલમાં આફ્રિકાના ગાઢ જંગલોમાં ફિલ્મની મહત્વની એક્શન સીક્વન્સ શૂટ થશે.
રાજામૌલી પોતાની ફિલ્મમાં વૈભવી સેટ અને મોટા દૃશ્યો માટે જાણીતા છે. આ સ્થિતિમાં ઓડિશા અને આફ્રિકા જેવા સ્થળો પર શૂટ થયેલી ફિલ્મ રસપ્રદ અને તાજગીસભર હશે એવી અપેક્ષા છે. આ સાથે જ ઇસ્ટ આફ્રિકા પણ તેની ભૌગોલિક સ્થિતિ અને વાઇલ્ડલાઇફ માટે જાણીતું છે.
ઓડિશાના કોરાપુટ, આંધ્ર પ્રદેશમાં બોરા કેવ્ઝમાં શૂટ કર્યા પછી રાજામૌલીએ કેન્યાની પસંદગી કરી હતી. આ ફિલ્મ માટે ખાસ અદ્દભુત કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો શોધવામાં આવ્યા હતા. આફ્રિકામાં મસાઇ મારા, અંબોસેલી અને સાવો નેશનલ પાર્ક જેવા સ્થળો પર  શૂટ થશે.
કહેવાય છે કે, આફ્રિકાના સુંદર સ્થળો ગત વર્ષે જ નક્કી કરી લેવાયાં હતાં, ખાસ કરીને કેન્યાના નેશનલ પાર્ક, જેથી તેઓ ફિલ્મમાં સુંદર દૃશ્યો બતાવી શકે. સૂત્રએ જણાવ્યું હતું કે, ‘આ વર્ષે માર્ચમાં કેન્યાનું શૂટ શરૂ કરવાનું હતું. પરંતુ ત્યાં આસપાસના વિસ્તારોમાં ખૂબ જ ગરમી હોવાને કારણે તે શક્ય બન્યું નહોતું. હાલમાં ત્યાંનું વાતાવરણ વધારે અનુકૂળ છે. તેથી હવે આવતા મહિનામાં કામ શરૂ થશે.’

LEAVE A REPLY