બોલિવૂડ અભિનેત્રી એલનાઝ નોરોઝી
સવારની ‘ચા’ સાથે દુનિયામાં મોટાભાગના લોકોનું જીવન જોડાયેલું છે. ઘણા લોકો માને છે કે, સવારમાં જ ગરમાગરમ, સુગંધી અને સ્વાદિષ્ટ ચા મળે તો દિવસ સારો જાય છે. ઘણા  લોકો માને છે કે, ચા પીવાથી  અનેરો અનુભવ થાય છે, યાદશક્તિ તાજી થાય છે, વિચારો પ્રફુલ્લિત થાય છે. આવી જ લાગણી અને અનુભવ ટેલીવિઝન ક્ષેત્રના કેટલાક કલાકારોને પણ થાય છે. અહીં કેટલાક એવા ટીવી કલાકારોનું ચા વિશેનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે.
સન્ની હિન્દુજા
સન્ની હિન્દુજાનું નામ બોલીવૂડ અને ટેલિવિઝન શ્રેણીમાં જાણીતું છે. 2021માં, તેણે વેબ સીરિઝ, એસ્પિરન્ટ્સમાં સંદીપ ભૈયાનું મહત્વપૂર્ણ પાત્ર ભજવીને દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત તેણે ટીવી શ્રેણી ધ ફેમિલી મેન (2019), ચાચા વિધાયક હૈ હમારે સીઝન 2 (2021), અને જામુન (2021) માં પણ કામ કર્યું હતું.  તે કહે છે કે, ચાનો અર્થ શાંતિ છે. ચાનો કપ એ તો ક્ષણિક છૂટકારો છે, જેની વચ્ચે આપણે ઘેરાયેલા છે. અંધાધૂધી વચ્ચેનો અનેરો શ્વાસ છે, ધડકન છે. હું મારા દિવસની શરૂઆત ચા સાથે કરું છું, જેમાં ફુદિનો, આદુ અને એલચીનું ખાસ મિશ્રણ હોય છે. તેનાથી મારી ચા વધુ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવે છે. હું પહેલા પાણી ઉકાળું છું પછી તેમાં ફુદીનો અને ચાની પત્તી નાખું છું. જ્યારે તે ઉકળે છે ત્યારે હું તેમાં આદુને પીસીને નાખું છું. આ પછી તેમાં દૂધ ઉમેરું છું. અંતે હું તેમાં ગોળ ઉમેરું છું. જો કે મારી ચા તો ઘઉંના મારી બિસ્કિટ વિના તો અધુરી જ હોય છે.
સુમિત વ્યાસ
સુમિત વ્યાસ અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક અને પટકથા લેખક છે. તેણે વેબ સીરિઝ પરમેનન્ટ રૂમમેટ્સમાં મિકેશ ચૌધરીની ભૂમિકા ભજવી હતી. પછી તેણે ઇંગ્લિશ વિંગ્લિશ અને  વીરે દી વેડિંગ જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. 2016ની ડ્રામા ફિલ્મ રિબનમાં તેની મુખ્ય ભૂમિકા હતી. તેના અભિનયને વિવેચકો દ્વારા સારી રીતે આવકાર મળ્યો હતો. આ ઉપરાંત તે ભારતમાં થિયેટર પ્રોડક્શન્સમાં પણ કાર્યરત છે. સુમિત ચા વિશે માન છે કે,  તમે થીયેટરના શોખિન છો તો તમે ચાના જરૂર શોખિન હોવાના. મારી ચામાં આદુ એક એવું ઘટક છે જે અંગે દલીલ કરી શકતા નથી. મારી ચા તો મને થિયેટરમાં પરફોર્મ કરતી વેળાએ મારા અવાજને ખોલવામાં પણ મદદ કરે છે. હવે જ્યારે હું પર્ફોમન્સ ન આપતો હોઉં ત્યારે પણ મારી ચામાં આદુ તો જરૂર નાખું છું. તમે માનશો હું દિવસમાં 12 કપ ચા પીઉં છું. ચા સાથે બીજી આવશ્યક વસ્તુ બિસ્કિટ છે. ભલે હું ડાયેટ પર હોઉં જો મારી ચા સાથે બિસ્કિટ ન હોય તો હું ગરીબ છું તેવી અનુભૂતિ થાય છે. મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા એક લેખક હતા જે મને તેમની ઓફિસમાં તેમના મહેમાનો માટે ચા બનાવવા માટે બોલાવતા હતા. જોકે, પછીથી તો મેં જાણી જોઈને ખરાબ ચા બનાવવાનું શરૂ કર્યું, જેથી તેમણે મને બોલાવવાનું જ બંધ કરી દીધું.
અલનાઝ નોરોઝી
અલનાઝ નોરોઝી એક ઈરાની-જર્મન યુવા અભિનેત્રી છે જે મુખ્યત્વે બોલીવૂડમાં કામ કરે છે . તેણે ભારતીય ક્રાઈમ થ્રિલર સેક્રેડ ગેમ્સમાં ઝોયા મિર્ઝાની યાદગાર ભૂમિકા ભજવી હતી. તેણે ગેરાર્ડ બટલર સાથે કંદહાર દ્વારા હોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો, જે રિક રોમન વો દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ હતી . અલનાઝ નોરોઝીનો જન્મ ઈરાનના તહેરાનમાં થયો હતો . તેના જન્મ પછી થોડા સમય પછી, તેનો પરિવાર જર્મનીના હેનોવરમાં રહેવા ગયો . નોરોઝી પાસે જર્મન નાગરિકતા છે. તેણે ચૌદ વર્ષની ઉંમરે અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે 19 વર્ષની થઈ ત્યાં સુધી એશિયા અને યુરોપમાં પ્રવાસ કરતી હતી. હેનોવરમાં સ્નાતક થયા પછી, તેણે ભારત જવાનું નક્કી કર્યું હતું.
તે ચા અંગે કહે છે કે, મારા માટે ચા લગભગ દરેક વસ્તુનો ઉકેલ છે. તે એક જીવનશૈલી છે અને આદત બની ગઈ છે. મારી મોટાભાગની ચા જર્મનીથી આવે છે અને મારા પાસે ઘણા પ્રકારની ચા છે. જ્યારે મને શરદી થાય છે ત્યારે હું એક ચોક્કસ ચા પીઉં છું. આ ઉપરાંત મારા બ્રોન્કાઇટિસ માટે, પાચન માટે જુદી જુદી ચા છે. મારા મિત્રો મજાક કરે છે કે મારું ઘર તો ચાથી ભરેલું છે.
ગગન અરોરા
ગગન અરોરાનું નામ કોલેજ રોમાન્સ અને સોની લિવની ડ્રામા સીરિઝ તબ્બર (2021) માં તેની ભૂમિકાઓ માટે જાણીતું છે, જેના માટે તેને ડ્રામા સીરિઝમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર OTT એવોર્ડ પણ મળ્યો હતો. અરોરાએ દિલ્હીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને અભિનયમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 2022માં, અરોરાએ તેની જુની ગર્લફ્રેન્ડ મુદિતા સાથે લગ્ન કર્યા હતા. અભિનયમાં પ્રવેશ કરતા પહેલા, ગગન અરોરાએ 2018માં અમર કૌશિકની ફિલ્મ સ્ત્રીમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. ગગન પણ ચા નો ચાહક છે. તે કહે છે કે, મારી ચા બનાવવાની રીત થોડી અલગ છે. લીલી ચાના પાંદડા અથવા ચાને પાણીમાં દસેક મિનિટ માટે પલાળી રાખો અને પછી ગરમ પાણી એક કપમાં લઈ તેમાં ચા ઉમેરી આરોગ્યપ્રદ પીણાંની મજા માણો. જ્યારે લીલી ચાના પાંદડાને યોગ્ય રીતે પલાળવામાં આવે છે ત્યારે તેમાંથી તાજગી મળે છે અને સ્વાદિષ્ટ લાગે છે.

LEAVE A REPLY