ભારતમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો હવે સરકાર સામે બાથ ભીડવા માટે રાજકીય આંદોલન કરશે. સરકાર વિરોધી ખેડૂતો હવે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપનો વિરોધ કરવા લોકોને સમજાવશે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે તેઓ ભાજપનો બહિષ્કાર કરીને સરકારનું અભિમાન તોડવા ઇચ્છે છે.
ખેડૂતોના જુદા જુદા સંગઠનની સંસ્થા- સંયુક્ત ખેડૂત મોર્ચાએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં લોકોને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે. મોર્ચાના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જો ચૂંટણીમાં ભાજપ હારશે તો ભારત સરકાર ત્રણેય નવા કૃષિ કાયદા પરત લેવા મજબૂર થવું પડશે. મોર્ચાના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, ‘અમે કોઈ પણ રાજકીય પક્ષને ટેકો આપ્યો નથી અને મતદારોએ કોને મત આપવો તે પણ જણાવી રહ્યા નથી, પરંતુ અમારી અરજ છે કે ભાજપને મત ન આપે.
બંગાળ પહોંચેલા ખેડૂત નેતાઓ 294 વિધાનસભા ક્ષેત્રોમાં પોતાના નેટવર્કથી લોકોનો સંપર્ક કરશે અને ટ્રેક્ટર યાત્રા કાઢશે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત શનિવારે કોલકાતા અને નંદીગ્રામ ખાતે મહાપંચાયત અને સભાઓમાં લોકોને ભાજપ વિરૂદ્ધ મતદાન માટે વિનંતી કરી હતી.