Bordeaux: Defense Minister Rajnath Singh inspects a Rafale Jet at its Dassault Aviation assembly line, in Bordeaux, France, Tuesday, Oct. 8, 2019. Rajnath Singh is in the city for the handover ceremony of the first Rafale combat jet acquired by the Indian Air Force. (PTI Photo) (PTI10_8_2019_000145B)

ફ્રાંસ સરકારે રાફેલ સોદાની ગંભીર તપાસ માટે મોટી કાર્યવાહી કરી છે. આ માટે ખાસ એક જજની નિમણૂક કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચ (પીએનએફ)ના જણાવ્યા પ્રમાણે આ સોદા અંગે થયેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરવામાં આવશે.
ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. વર્ષ 2018માં પણ શેરપાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પીએનએફ દ્વારા તેનો અસ્વીકાર થયો હતો. રાફેલ ફાઈટર જેટનો સોદાની કિંમત 7.8 બિલિયન યૂરો હતી.
મીડિયાપાર્ટના કહેવા પ્રમાણે 14 જૂનના રોજ એક મેજિસ્ટ્રેટ દ્વારા કેસની અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ફ્રાંસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ફ્રાંસ્વા ઓલાંદ, વર્તમાન પ્રેસિડેન્ટ ઈમાન્યુઅલ મેક્રોન જે તે સમયે નાણા પ્રધાન હતા, તેમની કામગીરી અંગે પણ પૂછપરછ થશે. તત્કાલીન રક્ષા પ્રધાન અને હવે ફ્રાંસના વિદેશ પ્રધાન ડ્રિયાન સાથે સંકળાયેલી બાબતે પણ પૂછપરછ થઈ શકે છે.
આ અંગે ડસોલ્ટ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. અગાઉ કંપનીએ ઈંડો-ફ્રેંચ ડીલમાં ગોલમાલ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે સત્તાવાર સંગઠનો દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવે છે. ભારત સાથે 36 રાફેલના સોદામાં કોઈ કૌભાંડ થયું નથી.