કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવાર, 20મેએ લંડનમાં આઇડિયાઝ ફોર ઇન્ડિયા પ્રોગ્રામ દરમિયાન વાતચીત કરી રહ્યાં છે.(ANI Photo/ANI Pics Service)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઇડિયાસ ફોર ઇન્ડિયા પ્રોગ્રામમાં ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં ભારતમાં રાજકીય ઘમાસાણ મચ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર દેશમાં નફરત ફેલાવવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે . ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં કેરોસીન છાંટી દીધું છે, એક ચિનગારી માત્રથી આગ ભડકી શકે છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશની સ્થિતિ સારી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈની વાત સાંભળતા નથી. દેશમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ ચીન મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ચીનની સેના લદ્દાખમાં ઘુસી આવી છે. આટલુ જ નહીં, એસએસી વિવાદની સરખામણી તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધ સાથે પણ કરી છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, રશિયા જે યુક્રેનમાં કરી રહ્યું છે તેવી જ સ્થિતિ ચીન દ્વારા લદ્દાખમાં ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની સરકાર આ બાબતે વાત કરવા નથી માંગતી. તેમણે જણાવ્યું કે, ચીનની સેનાઓ લદ્દાખ અને ડોકલામ બન્ને સ્થળોએ છે. ચીન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારો સાથે ભારતનો સંબંધ તો છે, પરંતુ અમે નથી માનતા. મારી સમસ્યા એ જ છે કે ભારત સરકાર આ વિષય પર વાત કરવા નથી માંગતી.

રાહુલ ગાંધીએ પરોક્ષ રીતે ફરી એકવાર દેશમાં કેટલાંક બિઝનસ ગ્રુપની મોનોપોલીનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મને લાગે છે કે એક કંપની માટે તમામ એરપોર્ટ્સ, પોર્ટ્સ, તમામ પાયાના માળખાઓને નિયંત્રિત કરવા એ ખતરનાક બાબત છે. ખાનગીકરણ આટલા મોટા પ્રમાણમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યું. સત્તા અને મૂડી આટલા મોટા કેન્દ્રીકરણ સાથે તેનું અસ્તિત્વ ક્યારેય નથી રહ્યું.

ઉલ્લેખનીય છે કે કોન્ફરન્સના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભારતની સરખામણી પાકિસ્તાન અને શ્રીલંકા સાથે કરી અને મોદી સરકાર તેમજ વડાપ્રધાન પર નિશાન સાધ્યુ હતુંરાહ. તેમણે જણાવ્યું કે, ભારતનું મીડિયા એકતરફી કામ કરી રહ્યું છે. રાજ્યોની શક્તિઓ ઓછી કરવા માટે ED, CBIનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ભારતના અવાજને એક વિચારધારાએ દબાવી દીધો છે.

વિદેશમાં ભારતની ટીકા કરી રાહુલ ગાંધી દેશ સાથે ગદ્દારી કરી રહ્યાં છેઃભાજપ

રાહુલ ગાંધીના નિવેદનનો વળતો જવાબ આપતાં ભાજપે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેના તેમના ધિક્કારને પગલે રાહુલ ગાંધી વિદેશની ભૂમીમાંથી દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એક હતાશ કોંગ્રેસ અને તેના નિષ્ફળ નેતા રાહુલ ગાંધી વિદેશી ધરતી પર જાય છે ત્યારે તેમના નિવેદનો દર્શાવે છે કે આજની કોંગ્રેસ પાર્ટી ૧૯૮૪થી લઈને અત્યાર સુધી દેશમાં આગ લગાવવાનું, સૌહાર્દ બગાડવાનું કામ કરે છે. દેશમાં કેરોસિન છાંટવાનું કામ કોંગ્રેસે કર્યું છે. ૧૯૮૪માં થયેલો નરસંહાર કોંગ્રેસના નેતાઓએ કરાવ્યો હતો