પંજાબના મોગા જિલ્લામાં ચાર ઓક્ટોબર 2020ના રોજ ટ્રેક્ટર રેલી ખેતી બચાયો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘ અને પક્ષના બીજા નેતાઓ. (PTI Photo)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાની વિરુધ્ધ ફરી એક વખત મોદી સરકાર સામે પ્રહાર કર્યા છે, પંજાબના રવિવારે ‘ખેતી બચાવો યાત્રા’ ને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો સરકારે આ બિલ પસાર કરવું જ હતું, તો સૌ પ્રથમ લોકસભા અને રાજ્યસભામાં આ મામલે ચર્ચા થવી જોઈતી હતી.

તેમણે કહ્યું કે, જો આ નવા કાયદાથી ખેડૂતો ખુશ છે તો આખા દેશમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે? પંજાબમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે રાહુલે કહ્યું કે કોરોનાકાળમાં આ ત્રણ કાયદા લાગુ કરવાની આટલી બધી સરકારને શું ઉતાવળ હતી?’ રાહુલે જણાવ્યું કે, તેઓ ખેડુતોને ખાત્રી આપવા માંગે છે કે જે દિવસે કોંગ્રેસ સત્તામાં આવી તે દિવસે ત્રણેય કાળા કાયદાને ખતમ કરી દેશું અને આ કાયદાને કચરાં પેટીમાં ફેંકી દેશું.

તેમણે કહ્યું કે, તેઓ પંજાબના ખેડૂતોને ખાતરી આપવા માંગે છે કે કોંગ્રેસ દેશભરમાં ખેડૂતોની સાથે ઊભી છે અને કોંગ્રેસ તેના વચનથી એક ઇંચ પણ પાછળ નહીં ખસે. નરેન્દ્ર મોદી સરકાર MSPને નાબૂદ કરવા માગે છે અને ઈચ્છે છે કે કૃષિનું આખું બજાર અંબાણી અને અદાણી ને સોંપવામાં આવે, પરંતુ કોંગ્રેસ પક્ષ આવું થવા દેશે નહીં. જો ખેડૂતો આ નવા કાયદાથી ખુશ છે તો પછી દેશભરમાં કેમ દેખાવો કરવામાં આવી રહ્યા છે? પંજાબમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે. કોરોના યુગમાં આ ત્રણ કાયદા લાગુ કરવાની સરકારને કેમ ઉતાવળ છે?

તેમણે જણાવ્યું કે, તેઓ એ માને છે કે ખેડુતોની ઉપજ ખરીદવા માટે બનેલી હાલની સિસ્ટમમાં ખામી છે, પરંતુ આ સિસ્ટમને સુધારવાની જરૂર છે. તેને નષ્ટ કરવાની જરૂર નથી કારણ કે આ સિસ્ટમ નષ્ટ થઈ ચુકી છે.