એશિયન મીડિયા ગ્રુપના સ્થાપક શ્રી રમણિકલાલ સોલંકીની યાદમાં યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવેલા રમણીકલાલ સોલંકી પાયોનિયર્સ પ્રોજેક્ટના ઔપચારિક પ્રારંભ માટે ગયા મંગળવારે તા. 15ના રોજ લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં ફોરેન ઓફિસ મિનિસ્ટર લોર્ડ તારિક અહમદે સ્વ. રમણીકલાલ સોલંકીને ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ વ્યક્તિ ગણાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રમણીકલાલ સોલંકી પાયોનિયર્સ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય યુકેને ઘર બનાવી આધુનિક સમાજમાં યોગદાન આપનાર બ્રિટિશ એશિયનોની વાર્તાઓનું વર્ણન કરવાનો તેમજ બ્રિટિશ સમાજ પર દક્ષિણ એશિયાના લોકોની સામાજિક-સાંસ્કૃતિક, બૌદ્ધિક અને આર્થિક અસરનું અન્વેષણ કરવાનો છે.

ગેસ્ટ ઓફ ઓનર લોર્ડ અહમદે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિરેક્ટર્સમાં મહેમાનોને સંબોધતા, કહ્યું હતું કે ‘’શ્રી સોલંકી એવા માણસ હતા જેમણે માત્ર તેમના પોતાના પરિવારને જ નહીં, પરંતુ તેમના બિઝનેસ મોડલ દ્વારા આપણામાંના ઘણાને પ્રેરણા આપી હતી. આ રૂમની અંદરના ઘણા લોકોની જેમ, તેમણે કોઈ પણ મૂડી વિના શરૂઆત કરી એક સામ્રાજ્ય બનાવ્યું હતું. ઘણા સમુદાયોની જેમ, યુકેએ સૌને ઘર પૂરું પાડ્યું છે, જ્યાં પરિવારો માત્ર સ્થાયી જ નહીં, સમૃદ્ધ પણ થયા છે. આ રૂમ આધુનિક, વૈવિધ્યસભર યુકે શું છે તેની સફળતા અને એકીકરણનો પુરાવો છે. આ દેશે વિવિધ સમુદાયોને મદદ કરી છે. આજે 2022માં પણ વિખવાદોના કારણે તકલીફ થાય છે તેમને આપણે આવકારીએ છીએ અને બિઝનેસ અને સમુદાયમાં તેમના જીવનને બનાવવાની મંજૂરી આપીએ છે.”

લોર્ડ અહમદે ઉમેર્યું હતું કે, “હું આ કાર્યક્રમમાં હાજર રહીને ગૌરવ અનુભવું છું જ્યાં અમે તેમના (શ્રી સોલંકીના) વારસાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. તેમણે માત્ર પુત્રો (કલ્પેશ સોલંકી અને શૈલેષ સોલંકી) જ નહીં, પરંતુ તેમના પૌત્રો સહિત ભાવિ પેઢીઓની પ્રતિભાને ચાલુ રાખી છે. તેઓ એક અગ્રણી હતા અને આ પ્રોજેક્ટ બ્રિટિશ સમાજમાં દક્ષિણ એશિયન ડાયસ્પોરાના યોગદાનને જીવંત બનાવશે. શિક્ષણ એ યુકે-ભારત સંબંધોનો મુખ્ય ભાગ છે અને યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનનો પહેલો પ્રોજેક્ટ છે.’’

આ વર્ષે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, લોર્ડ અહમદે પણ વિકસતા દ્વિપક્ષીય સંબંધો પર ધ્યાન આપતાં કહ્યું હતું કે “મારી ઓફિસ ઇન્ડિયા કાઉન્સિલ ચેમ્બરની સામે છે, જ્યાંથી બ્રિટન ભારતીય સામ્રાજ્ય ચલાવતું હતું. તે સંબંધોને મજબૂત કરવા માટે જવાબદાર મંત્રી હોવાનો મને ગર્વ છે. ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે બ્રિટિશ ભારતીય સમુદાય આજે આ સ્થાને કેવી રીતે આવ્યો તે જણાવવા માટે અમારી પાસે મહાન વાર્તાઓ છે. મને આનંદ છે કે સાઉધમ્પ્ટન યુનિવર્સિટી આજે સાંજે તેનો પાયોનિયર પ્રોજેક્ટ શરૂ કરી રહી છે, જે યુકેના સંશોધન અને નવીનતા દ્વારા સમર્થિત છે, અને તેનું નામ હું જેમને માન આપું છું તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.”

યુકેમાં કામ કરવા માટે કોમનવેલ્થ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટેની યોજનાઓ અને કાર્યક્રમોની નોંધ લેતા લોર્ડ અહમદે સમૃદ્ધ બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા અને તેમની દ્રઢતા, સખત મહેનત, વિશ્વાસ, કુટુંબ સમુદાયની પ્રશંસા કરી હતી. તેમણે કોવિડ-19 રોગચાળા દરમિયાન અને યુકેમાં વિકસિત અને ભારતમાં ઉત્પાદિત ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા રસી પરના સહયોગ અંગે બ્રિટન અને ભારતના પ્રતિભાવોની પ્રશંસા કરી હતી.

લોર્ડ અહમદે બોલિવૂડ ક્લાસિક ફિલ્મ શોલેના પ્રખ્યાત ગીત, “યે દોસ્તી હમ નહીં તોડેંગે” ટાંકીને યુકે અને ભારતના જોડાણને માન આપીને તેમનું ભાષણ સમાપ્ત કર્યું હતું.

AMG ગ્રૂપના મેનેજિંગ એડિટર, કલ્પેશ સોલંકીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “પોતાના વાચકો સુધી તેજસ્વી પત્રકારત્વ પહોંચાડવા માટે મારા પિતાના એકલા હાથે કરાયેલા પ્રયત્નોએ ગરવી ગુજરાતને ઘર-ઘરનું નામ બનાવ્યું હતું. ભારત અને અમેરિકામાં વિસ્તરણ કરવા અને ટાઇટલ મેળવવા માટે અમારા માટે પાયો બનાવ્યો હતો. તેમનું સૌથી મોટું સન્માન તેમના વાચકોને જાણ અને મદદ કરવાનું હતું. અને સૌથી અગત્યનું તેમણે અમને અવાજ આપ્યો છે. માત્ર એક અવાજ જ નહીં પરંતુ એક એવો અવાજ જે આદર સાથે સાંભળવામાં આવે છે. AMGના કાર્યક્રમો અને પ્રકાશનો દ્વારા અમે દર વર્ષે સફળતાની સેંકડો વાર્તાઓનો સામનો કર્યો છે. તેથી જ મારો ભાઈ શૈલેષ અને હું પાયોનિયરને શું સફળ બનાવે છે તેના સારનું અન્વેષણ કરવા અને આ જ્ઞાનને મુક્તપણે શેર કરવા માગતા હતા. અમે લોર્ડ કમલેશ પટેલ દ્વારા સાઉધમ્પ્ટન યુનિવર્સિટી સાથે જોડાણ કરી રમણીકલાલ સોલંકી પાયોનિયર્સ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. અમારું વિઝન બ્રિટનમાં દક્ષિણ એશિયાઈ સમુદાયના ઇતિહાસને રેકોર્ડ કરવા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે આ અગ્રણીઓની અસાધારણ વાર્તાઓ કહેવા માટે જીવંત સંસાધન બનાવવાનું છે.”

AMG સમાચાર સાપ્તાહિકો ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાત તેમજ યુકેમાં ફાર્મસી બિઝનેસ અને એશિયન ટ્રેડર પ્રકાશિત કરે છે. ગૃપ દ્વારા GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ, એશિયન બિઝનેસ એવોર્ડ્સ અને વાર્ષિક GG2 પાવર લિસ્ટ અને એશિયન રિચ લિસ્ટનું પણ આયોજન કરાય છે.