બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ (BCCI)એ બાબતની પુષ્ટિ કરી છે કે 87 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દેશની મુખ્ય ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ- રણજી ટ્રોફીનું આયોજન કરાશે નહી. જોકે, બોર્ડે જણાવ્યું છે કે, વિજય હઝારે ટ્રોફીનું આયોજન થશે, કારણકે રાજ્યોના ક્રિકેટ એસોસિએશન તેને ઈચ્છે છે. BCCI પ્રથમવાર અંડર 19 નેશનલ વન ડે ટુર્નામેન્ટ વિનુ માંકડ ટ્રોફી અને વિમેન નેશનલ વન ડે ટુર્નામેન્ટનું પણ આયોજન કરશે. બોર્ડના સેક્રેટરી જય શાહે અન્ય એસોસિએશનને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે.
BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ રણજી ટ્રોફીનું આયોજન થાય તેમ ઈચ્છે છે, કારણ કે તેમાં ખેલાડીઓને મહત્તમ મેચ ફી (અંદાજે દોઢ લાખ રૂપિયા) મળે છે. પણ કોરોના મહામારી વચ્ચે બે તબક્કામાં તેના આયોજન માટે બે મહિના માટે બાયો બબલ બનાવવાનું સંભવ નથી. શાહે પત્રમાં જણાવ્યું છે કે, મને એ વાત જણાવતાં ખૂબ જ ખુશી થાય છે કે, અમે સીનિયર મહિલા વન ડે ટુર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફી અને અંડર 19 વિનુ માંકડ ટ્રોફીનું આયોજન કરી રહ્યા છીએ. ડોમેસ્ટિક સેશન 2020-21 માટે તમારો પ્રતિભાવ મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જય શાહે એમ પણ લખ્યું છે કે કોરોના દરમિયાન ડોમેસ્ટિક આયોજન કરવું ઘણું મુશ્કેલ હતું.
જય શાહે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી20 ટુર્નામેન્ટના આયોજન માટે સ્થાનિક એસોસિએશનને અભિનંદન પાઠવ્યા છે.