દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સોમવારે નવી દિલ્હીમાં સિંધુ બોર્ડર પર ખેડૂતો સાથે વાતચીત કરી હતી. (PTI Photo/Shahbaz Khan)

કૃષિ કાયદા વિરુદ્ધમાં ખેડૂતોના આંદોલનને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને ખેલાડીઓનું સમર્થન મળી રહ્યું છે. સોમવારે આંદોલનના ૧૨મા દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળવા સિંધુ બોર્ડર પહોંચ્યા હતા. ખેડૂતોની વચ્ચે પહોંચેલા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે અમારી પાસે નવ સ્ટેડિયમને જેલ બનાવવાની પરવાનગી માગી હતી. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ કિસાન યાત્રાની શરૂઆત કરવાના હતા. પરંતુ તેમને ઘર પાસે જ રોકવામાં આવ્યા હતા અને તેમના વાહનો જપ્ત કરાયા હતા. છતાં અખિલેશ યાદવ પગપાળા કન્નોઝ જવા રવાના થયા હતા.

ખેડૂતોને મળવા પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ યોગ્ય છે. અમે ખેડૂતોના સંઘર્ષમાં શરૂઆતથી જ સાથે છે. કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે અમારી પાસે નવ સ્ટેડિયમને જેલ બનાવવાની પરવાનગી માગી હતી. અમારી પર ખૂબ દબાણ કરવામાં આવ્યું, પરંતુ અમે મંજૂરી ન આપી. કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે, ખેડૂતો દિલ્હી આવે અને તેમને જેલમાં નાંખી દે.

બીજી બાજુ, પંજાબના ખેલાડીઓ અને કલાકારોએ જાહેરાત કરી છે કે, તેઓ ખેડૂતોના સમર્થનમાં એવોર્ડ વાપસી કરશે. જેમાં વિજેન્દ્ર સિંહે ખેલ રત્ન, ગુરબખ્શસિંહે દ્વોણાચાર્ય એવોર્ડ, કરતાર સિંહે પદ્મશ્રી એવોર્ડ, સજ્જન સિંહે અર્જુન એવોર્ડ, રાજબીર કૌરે અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી.

ઉપરાંત ઉત્તર પ્રદેશની પાટનગર લખનઉંમાં પણ દંગલ જોવા મળી રહ્યું છે. કૃષિ કાયદાના વિરુદ્ધમાં અખિલેશ યાદવ કિસાન યાત્રાની શરૂઆત કરવાના હતા. પરંતુ તેમને ઘર પાસે જ રોકવામાં આવ્યા હતા અને તેમના વાહનો જપ્ત કરાયા હતા. છતાં અખિલેશ યાદવ પગપાળા કન્નોઝ જવા રવાના થયા હતા.

અખિલેશ યાદવે કહ્યું છે કે, ઘણા જિલ્લાઓમાં તેમના કાર્યકર્તાઓની ધરપકડ થઇ રહી છે. તેમને કન્નોઝ જતાં રોકવામાં આવી રહ્યાં છે. તેઓ મને પણ જેલમાં નાંખી શકે છે.

ખેડૂત પહેલાં જ કહી ચૂક્યા છે કે 8 ડિસેમ્બર એટલે કે મંગળવારે ભારત બંધ કરશે, જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ અને 10 ટ્રેડ યુનિયન્સ ઊતરી આવ્યા છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે. તો આ તરફ ખેડૂત નેતા બલદેવ સિંહ નિહાલગઢે જણાવ્યું હતું કે મંગળવારે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે.