રોજ રાત્રે 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે સૂઇ જવાથી હૃદયરોગનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે, એમ યુકેની એક્સેટર યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે. અભ્યાસ મુજબ આ સમય અગાઉ અથવા પછી સૂઇ જનાર લોકોની સરખામણીમાં રાત્રે 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે સૂઇ જવાથી  હૃદય રોગનો દર ઓછો જણાયો હતો.

અભ્યાસના મુખ્ય લેખક ડૉ. ડેવિડ પ્લાન્સે જણાવ્યું હતું કે “શરીરમાં 24-કલાકની આંતરિક ઘડિયાળ હોય છે – સર્કેડિયન રિધમ – જે શારીરિક અને માનસિક કાર્યને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરિણામો સૂચવે છે કે વહેલા અથવા મોડા સૂવાનો સમય શરીરની ઘડિયાળને વિક્ષેપિત કરે તેવી શક્યતા રહેલી છે, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ પરિણામો આવે છે. ઊંઘનો સમય અને મૂળભૂત ઊંઘની સ્વચ્છતા એ હૃદય રોગના જોખમને ઘટાડવા માટે ઓછા ખર્ચે જાહેર આરોગ્યનો મોટો ફાયદો મેળવવાનું લક્ષ્ય હોઈ શકે છે.

સંશોધકોએ યુકે બાયોબેંકના સરેરાશ 61 વર્ષની વયના 88,026 સહભાગીઓના ડેટાનો ઉપયોગ કર્યો હતો, જેમણે તેમની જીવનશૈલી પર પ્રશ્નોનો જવાબો આપ્યા હતા અને શારીરિક તપાસ પસાર કરી હતી. તેમણે એક અઠવાડિયા સુઘી પહેરેલા Fitbit-શૈલીના ઉપકરણોથી તેઓ ક્યારે સૂઈ ગયા અને ક્યારે જાગ્યા તેની વિગતો મળી હતી.

મધ્યરાત્રિ અથવા પછીના સમયે સૂઈ ગયેલા 3,172 સહભાગીઓએ માત્ર છ વર્ષથી ઓછા સમયમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ વિકસાવ્યો હતો. સંશોધકોએ ઉંમર, ઊંઘની અવધિ અને ઊંઘની અનિયમિતતા સહિતના પરિબળોને પણ ચકાસ્યા હતા. જે લોકો રાત્રે 11 વાગ્યાથી 11.59 વાગ્યાની વચ્ચે સૂઈ ગયા હતા તેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ 12 ટકા વધારે રહ્યું હતું. મધ્યરાત્રિ પછી સૂવાનો સમય ધરાવતા લોકોમાં આ જોખમ 25 ટકા વધારે હતું અને જેઓ રાત્રે 10 વાગ્યા પહેલાં સૂઈ ગયા હતા તેમનામાં આ જોખમ 24 ટકા વધી ગયું હતું.

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના વરિષ્ઠ કાર્ડિયાક નર્સ રેજિના ગિબ્લિને કહ્યું: “એ યાદ રાખવું અગત્યનું છે કે આ અભ્યાસ ફક્ત જોડાણ બતાવી શકે છે તેના કારણો અને અસર સાબિત કરી શકતું નથી.”