ગુજરાત સરકારે આવતા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં કરવાનો નિર્ણય લીધો છે. 73મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે વેરાવળમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહત્ત્વનું છે કે, રાષ્ટ્રીય પર્વની ઉજવણીને અનુલક્ષીને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવશે. આ પર્વની ઉજવણીની તૈયારીઓમાં જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર રાજદેવ સિંહ ગોહીલ દ્વારા જુદી-જુદી 15 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.
આ 15 સમિતિઓમાં સમાવિષ્ટ અધિકારીઓની એક બેઠક વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળી હતી. કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની ઉજવણીના સંદર્ભે તમામ વ્યવસ્થા ગોઠવવા માટે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.