નવા વર્ષમાં વિશ્વની અર્થવ્યવસ્થા પ્રથમવાર 100 ટ્રિલિયન ડોલરને પાર કરશે તેમ એક બ્રિટિશ કન્સલ્ટન્સીના રીપોર્ટમાં જણાવ્યું છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિશ્વના પ્રથમ નંબરના અર્થતંત્ર તરીકે અમેરિકાનું સ્થાન લેવામાં ચીનને અનુમાન કરતા ઘણા વર્ષ સુધી રાહ જોવી પડશે.
બ્રિટિશ કન્સલટન્સી- સેન્ટ્રર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચ- (CEBR)ના રીપોર્ટ પ્રમાણે વર્ષ 2030માં ચીન વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બની જશે. આ અગાઉ વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ રિપોર્ટમાં એવી ધારણા રજૂ કરવામાં આવી હતી કે, 2028માં ચીન અમેરિકાથી આગળ વધીને વિશ્વનું મોખરાનું અર્થતંત્ર બની જશે.
સેન્ટરના જણાવ્યા અનુસાર 2022માં ભારતીય અર્થતંત્ર ફ્રાન્સના અર્થતંત્રથી આગળ વધી જશે. ત્યારબાદ 2023માં ભારતીય અર્થતંત્ર બ્રિટનથી આગળ નીકળીને વિશ્વનું છઠ્ઠા નંબરનું અર્થતંત્ર બની જશે.
સીઇબીઆરના ડેપ્યુટી ચરેમેન ડગ્લાસ મેકવિલિયમ્સે જણાવ્યું હતું કે, 2021થી 2030 સુધીના વર્ષોમાં સૌથી મોટો પડકાર એ છે કે વિશ્વના અર્થતંત્રો ફુગાવાનો કેવી રીતે સામનો કરશે. અમેરિકામાં ફુગાવો વધીને 6.8 ટકા થઇ ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, કેટલીક વસ્તુઓ ફુગાવાને અંકુશમાં રાખશે અને જો એમ નહીં થાય તો વિશ્વને 2023 અને 2024માં મંદીનો સામનો કરવો પડશે.
રીપોર્ટ મુજબ 2033માં જર્મનનીનું અર્થતંત્ર જાપાનથી આગળ વધી જશે. રશિયા 2036 સુધીમાં વિશ્વના ટોચના 10 અર્થતંત્રોમાં સામેલ થશે અને ઇન્ડોનેશિયા 2034માં નવમા ક્રમે હશે.