• અમિત રોય દ્વારા

ચેલ્સિ ફ્લાવર શોનું સૌથી મોટુ અને આગવું આકર્ષણ બનેલા અને મનોજ માલદે દ્વારા ડિઝાઇન કરાયેલ RHS ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઓફ યુનિટી ફ્લાવર શોએ રાજા ચાર્લ્સ અને રાણી કેમિલા, બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ સુશ્રી થેરેસા કોફી સહિત હજ્જારો લોકોને આકર્ષ્યા હતા. થેરેસાએ તો બાગકામની દુનિયામાં વધુ વિવિધતા કેવી રીતે હાંસલ કરવી તે વિશે માલદે સાથે વાત પણ કરી હતી.

આ વર્ષે ચેલ્સિ ફ્લાવર શોના મેઇન એવેન્યુ પર અને ગ્રેટ પેવેલિયનની નજીક સ્થાપવામાં આવેલા RHS ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઓફ યુનિટી ફ્લાવર શોમાં પધારેલા RHS ના ડિરેક્ટર જનરલ ક્લેર મેટરસને જણાવ્યું હતું કે “બાગકામ દરેક માટે છે. હું લાંબા ગાળાની વ્યૂહરચના નક્કી કરી દેશભરની શાળાઓમાં બાગકામને લઈ જવા માટે શિક્ષણ વિભાગ સાથે નજીકથી કામ કરી રહી છું. ઈસ્ટર્ન આઈના વાચકોએ રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટીના સભ્ય બનવાનું વિચારવું જોઈએ અને 2024 ચેલ્સિ ફ્લાવર શો માટે તારીખ નક્કી કરવી જોઈએ.’’

ચેલ્સિ ખાતે RHS અને ઈસ્ટર્ન આઈ દ્વારા ‘ગાર્ડન ઑફ યુનિટી’માં યોજેલા રિસેપ્શનમાં RHSના મેટરસન, તેમની વરિષ્ઠ ટીમનું પ્રતિનિધિત્વ કરતા ડાયરેક્ટર ઓફ ગાર્ડન્સ એન્ડ શો, હેલેના પેટિટ; કોમ્યુનિકેશનના વડા, એડ હોર્ન; કોમ્યુનિકેશન ડિરેક્ટર, હેલી મોન્કટન ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન  બદલ ઈસ્ટર્ન આઈનો આભાર માન્યો હતો.

હેલેના પેટિટે કહ્યું હતું કે “અમને તમારી સાથે કામ કરતાં ખૂબ જ ગમ્યું છે. મને લાગે છે કે આ ગાર્ડન આપણાં સંબંધોનું પ્રતીક છે. તે સુંદર, ઉત્થાનકારક, સુલભ અને આનંદદાયક છે. ગાર્ડન ઓફ યુનિટી હવે પછી બેટરસીમાં એક શાળામાં જશે અને લોકોના જીવનમાં વધુ આનંદ અને ખુશીઓ લાવશે. વિદ્યાર્થીઓ માટે સભ્યપદ વાર્ષિક માત્ર £10 છે. મને આશા છે કે આપણી ભાગીદારી સમાન હશે અને ચાલુ રાખીશું.”

મહેમાનોમાં ઉપસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે ‘’મહાત્મા ગાંધીએ બહુ સરસ કહ્યું હતું કે પૃથ્વીને કેવી રીતે ખોદવી અને જમીનની સંભાળ રાખવી તે ભૂલી જવું એ આપણી જાતને ભૂલી જવા જેવું છે. બગીચા અને માટી સાથેનો માનવીય સંબંધ અભિન્ન બાબત છે અને તે બ્રિટિશ સંસ્કૃતિ અને ભારત તથા પર્શિયાનો ઇતિહાસ છે. કૃષિ એ બાગકામનો નજીકનો પિતરાઈ છે. અને તેથી બાગકામ માનવ સર્જનાત્મકતાની વિશેષતા છે.”

હાઈ કમિશનર દોરાઇસ્વામીએ પી. જી. વોડહાઉસની કોમિક નવલકથાને સંકળીને રમૂજ કરી તેના પાત્રોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બાગકામને બ્રિટિશ આત્મા ગણાવતા કહ્યું હતું કે“મને લાગે છે કે મારા માટે બગીચાઓની સુંદરતાનો ભાગ છે. બગીચાઓ એકતાના સ્ત્રોત છે, કારણ કે બગીચાઓ સાથે, તમે તમારી જાતને વિવિધ રંગોમાં, વિવિધ ભાષાઓમાં વ્યક્ત કરી શકો છો. તેથી RHS અને, અલબત્ત, અમારા દયાળુ યજમાનોને, ગાર્ડન ઓફ યુનિટી કરતાં ફ્લાવર ફેસ્ટીવલમાં મળવા અને ઉજવવા માટે વધુ સારી જગ્યા કઇ હોઈ શકે.”

હાઈ કમિશનરે “તેમના સમયમાં એક દંતકથા સ્વરૂપ અને લાખો લોકોના જીવ બચાવનાર ભારતીય ફાર્મા કંપની સિપ્લાના ચેરમેન ડૉ. યુસુફ હમીદ અને “ભારત-યુકે સંબંધોના સારા મિત્ર” એવા બ્રેન્ટ નોર્થના લેબર સાંસદ બેરી ગાર્ડિનરનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

ડૉ. હમીદે કહ્યું હતું કે ‘’મારી પત્ની ફરીદાએ ખાતરી કરી હતી કે તે રિસેપ્શન ચૂકી ન જાય.

જ્યારે કવિ પત્ની કેરોલિન સ્મિથ સાથે આવંલા ગાર્ડિનરે કહ્યું હતું કે ” આપણે પ્રકૃતિથી અલગ નથી, પરંતુ તેનો ભાગ છીએ તે સમજવામાં બાગકામ આપણને મદદ કરે છે. આ વર્ષે ચેલ્સિમાં ગાર્ડન ઓફ યુનિટીમાં હોવું તે સુંદર છે. સદીઓથી દરેક દેશના માળીઓ તેમના મૂળ છોડને વધારવા અને તેમના ઘરોને સુંદર બનાવવા માટે ‘વિદેશ’થી પ્રજાતિઓ લાવ્યા છે  જે વિવિધતામાં એકતાના સાચા ઉદાહરણો છે    .”

પતિ રસેલ સાથે આવેલા હાઈકોર્ટના જજ શ્રીમતી જસ્ટિસ ચીમા ગ્રબે કહ્યું હતું કે “બાગકામ એ વિશ્વભરના ઘણા લોકો દ્વારા માણવામાં આવતો આનંદ છે અને ઈસ્ટર્ન આઈ ગાર્ડન એકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વાઇબ્રન્ટ પ્લાન્ટિંગ, ભારતીય લેન્ડસ્કેપના રંગો અને બંગડીઓ, ફૂલો અને વાસ્તવિક મરચાંથી કરાયેલી સજાવટ – આ કાલ્પનિક બગીચાને જોઇને આનંદ થયો.”

2017થી 2022 સુધી કાઉન્સિલ ઓફ ધ બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોવિડ રોગચાળાનો સામનો કરનાર જીપી ચાંદ નાગપોલ પત્ની મીના સાથે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે “આરએચએસ/ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઓફ યુનીટી આપણાં માટે પ્રતીક છે કે ફૂલો અને બગીચાઓનો પ્રેમ તમામ રાષ્ટ્રો, પૃષ્ઠભૂમિ, લાક્ષણિકતાઓ – સીમાઓને પાર કરતા લોકોમાં સાર્વત્રિક છે અને સ્વાભાવિક રીતે એકીકૃત છે. બગીચાએ બ્રેઇલમાં લખેલા સ્તંભો સાથે સર્વસમાવેશકતા દર્શાવી હતી. મનોજના માતા-પિતાના ફોટાના સંસ્મરણોથી માંડીને જ્યાં તેનો જન્મ થયો હતો તે ભારત અને આફ્રિકાના અવશેષો જોઇ આનંદ થયો.”

નાગપોલે AMG ગૃપના સહ-સ્થાપક પાર્વતીબેન સોલંકીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ “પ્રખર અને ઉત્સુક માળી હતા અને નિયમિતપણે RHS શોમાં હાજરી આપતા હતા”. તો તેમના પત્નીએ ઉમેર્યું હતું કે “ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં માવિષ્ટ શાંતિની ભાવના સાથે તે એક અભ્યારણ્ય અને આશ્રયસ્થાન લાગ્યું.”

ઈસ્ટર્ન આઈ ટીમનું નેતૃત્વ એશિયન મીડિયા ગ્રુપના મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકી અને તેમના ભાઈ તથા એક્ઝિક્યુટિવ એડિટર શૈલેષ સોલંકી દ્વારા કરાયું હતું. જે ગૃપની સ્થાપના તેમના સ્વ. પિતા રમણીકલાલ સોલંકીએ કરી હતી.

મહેમાનોને જણાવાયું હતું કે પાર્વતીબેન તેમના લંડનના ઘરે પ્રિન્સેસ લિલીઝ, ગુલાબ અને ડાલિયા તેમજ શાકભાજીમાં મરચાં, રીંગણ અને કોલોકેસિયા (અળવીના પાન જેનાથી પાત્રા નામની સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી બનાવાય છે) ઉગાડતા હતા. તો ગુજરાતના અમદાવાદમાં તેમના ઘરે તેમણે બોગનવેલ, જાસ્મીન અને રજનીગંધા ઉગાડ્યા હતા. પાર્વતીબેન તેમના સમર્પિત પૌત્ર જૈમિન સાથે ચેલ્સિની વાર્ષિક તીર્થયાત્રા કરતાં અને ફ્લાવર શોના અંતે સોદાબાજી કરી મોટી કારમાં પ્લાન્ટ્સ લઇ જતાં.

બહુ બધા લોકોના પ્રશ્નોના જવાબ આપવાના કારણે મનોજ માલદેનો અવાજ બેસી ગયો હતો. જેને કારણે તેઓ રિસેપ્શનમાં હાજરી આપતી વખતે ખૂબ જ અસ્વસ્થ હતા. તેમણે કહ્યું હતું કે ‘’લોકતોએ તેમને બગીચા માટેની પ્રેરણા, માળા કેવી રીતે બનાવી, બગીચા માટે કેવો કલર કરવાથી માંડીને વિવિધ છોડ વિશે પ્રશ્નો પૂછાયા હતા. આ બગીચાનું ટીવી અને સોશિયલ મીડિયા કવરેજ વૈશ્વિક થઈ ગયું હોવાના કારણે માલદેએ વિક્ટોરિયાથી શો સુધી આવવા બસ પકડી ત્યારે બધા મુસાફરો તેમને ઓળખી ગયા હતા. લોકોની પ્રતિક્રિયા અદ્ભુત રહી હતી અને સૌ ખૂબ જ આનંદિત જણાયા હતા.”

ચેલ્સિ ફ્લાવર શોના અંતે, શૈલેષ સોલંકીએ કહ્યું હતું કે ‘’બાગકામ માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આટલા વૈવિધ્યસભર સમુદાયોને જોડવા માટે RHS સાથે કામ કરતાં અમને ગર્વ છે. બાગકામ ખરેખર દરેક માટે છે.”

LEAVE A REPLY

five + four =