પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર રિક મહેતાનો ન્યૂ જર્સી સેનેટની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર સેનેટર કોરી બુકર સામે પરાજય થયો છે. ત્રણ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં મહેતાને 1,071,726 મત સાથે 37.9 ટકા મત મળ્યા હતા, જ્યારે બૂકરને 1,714,375 વોટ સાથે 60.6 ટકા મત મળ્યા હતા.

જુલાઈમાં મહેતા ન્યૂ જર્સી સ્ટેટમાંથી સેનેટની બેઠક માટે રિપબ્લિકન પ્રાયમરીમાં વિજયી બનેલા પ્રથમ ઇન્ડિયન અમેરિકન બન્યાં હતા. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટેશન (એફડીએ)ના ભૂતપૂર્વ અધિકારી મહેતાએ જુલાઈમાં રિપબ્લિકન પ્રાયમરીમાં આશરે 13,742 મતની સરસાઈથી બીજા ઇન્ડિયન અમેરિકન હરીફ હિર્ષ સિંઘને પરાજય આપ્યો હતો. મહેતા બાયોટેક આંત્રેપ્રિન્યોર, ઇનોવેટર, હેલ્થકેર પોલિસી એક્સપર્ટ અને લાઇસન્સ્ડ ફાર્માસિસ્ટ અને એટર્ની છે.