મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં શેલ ગેસ એસેટ્સમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ થઈ છે.
કંપની ઇગલફોર્ડ શેલ ગેસ એસેટમાં તેનું શેરહોલ્ડિંગ વેચવા માટે સંમત થઈ છે, જોકે આ અંગેની નાણાકીય વિગત જારી કરાઈ નથી.

રિલાયન્સે 2010 અને 2013માં શેવરોન, પાયોનીયર નેચરલ રિસોર્સિસ અને કેરિઝો ઓઇલ એન્ડ ગેસ સાથેના ત્રણ અપસ્ટ્રીમ એક્સ્પ્લોરેશન જોઇન્ટ વેન્ચર્સમાં ઇક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. કંપનીએ પાયોનીયર સાથેના મિડસ્ટ્રીમ સંયુક્ત સાહસમાં પણ હિસ્સો ખરીદ્યો હતો. મિડસ્ટ્રીમ સામાન્ય રીતે હાઇડ્રોકાર્બનના પ્રોસેસિંગ, સ્ટોરિંગ, ટ્રાન્સપોર્ટિંગ અને માર્કેટિંગનો ઉલ્લેખ કરે છે.

રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન પેટાકંપની રિલાયન્સ ઇગલફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગે ટેક્સાસમાં ઇગલફોર્ડ શેલની કેટલીક અપસ્ટ્રીમ એસેટના હિસ્સામાં વેચાણ કરવા માટે ઇનસાઇન ઓપરેટિંગ-III સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ઇનસાઇન ઓપરેટિંગ ડેલાવેર ખાતેની લિમિટેડ લાયેબિલિટી કંપની છે. આ ટ્રાન્ઝેક્શન સાથે રિલાયન્સ અમેરિકામાં તેની તમામ શેર ગેસ એસેટ્સનું વેચાણ કર્યું છે અને નોર્થ અમેરિકામાં શેલ ગેલ બિઝનેસમાંથી નીકળી ગઈ છે.

રિલાયન્સે 2017માં 126 મિલિયન ડોલરમાં સેન્ટ્રલ પેન્સિલવેનિયા ખાતેના માર્સેલેસ શેલ નામનો તેનો પ્રથમ શેલ ગેસ બિઝનેસ વેચ્યો હતો. કંપનીએ 392 મિલિયનમાં આ એસેટનો 60 ટકા હિસ્સો ખરીદ્યો હતો.જૂન 2015માં કંપનીએ એક બિલિયન ડોલરમાં પાયોનીર નેચરલ રિસોર્સિસ સાથેના તેના ઇગલફોર્ડ મિડસ્ટ્રીમ જોઇન્ટ વેન્ચરમાંથી હિસ્સો વેચ્યો હતો. કંપનીએ ઇગલ ફોર્ડમાં 49.9 ટકા હિસ્સો ખરીદવા 46 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો અને તેમાં વધુ 208 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.