ગુજરાતના અમદાવાદ સહિતના પાંચ શહેરોમાં નોન વેજ અને ઇંડાની લારીઓ હટાવવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે, ત્યારે 2014ના સેમ્પલ સરવેના ડેટા ટાંકીને મીડિયામાં એવા અહેવાલ આવ્યા છે કે ગુજરાતની લગભગ 40 ટકા વસ્તી ઈંડા અથવા માંસ આરોગે છે. રાજસ્થાનની સરખામણીમાં ગુજરાતમાં માંસાહારનું સેવન વધારે થાય છે. રાજસ્થાનમાં માત્ર 25.1 ટકા લોકો જ માંસાહારનું સેવન કરે છે.

આ આંકડાઓ વર્ષ 2014ના સેમ્પલ સર્વેમાંથી લેવામાં આવ્યા છે અને શક્ય છે કે આજે આંકડો તેનાથી ઘણો વધારે હોય. ગુજરાતની 38 ટકા મહિલાઓ નોન વેજિટેરિયન છે. ગુજરાતમાં રાજસ્થાન કરતાં નોન વેજિટેરિયનની સંખ્યા 55 ટકા વધુ છે.

દરમિયાન રાજ્યમાં ઇંડાના ઉત્પાદનમાં વધારો થયો છે. 2019-20માં રાજ્યમાં ઇંડાનું ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધુ હતું, એમ સામાજિક આર્થિક સરવેમાં જણાવાયું છે. 2019-20માં ગુજરાતમાં 192 કરોડ ઇંડાનું ઉત્પાદન થયું હતું, જે 2018-19માં 185 કરોડ અને 2019-20માં 192 કરોડ હતું. રાજ્ય સરકારના અગાઉના એક અહેવાલમાં જણાવાયું હતું કે ગુજરાતમાં ઉત્પાદિત 43 ટકા ઇંડાનો રાજ્યમાં વપરાશમાં થાય છે અને બાકીના ઇંડાનો સપ્લાય બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે. ગુજરાત મહારાષ્ટ્રમાંથી પણ સપ્લાય મેળવે છે.