ચિંટુના નામથી લોકપ્રિય ઋષિ નો જન્મ ચાર સપ્ટેમ્બર, 1952માં મુંબઈના ચેમ્બુરમાં થયો હતો. તેઓ રાજ કપૂરના બીજા નંબરના દીકરા તથા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર હતાં. તેમણે મુંબઈની કેમ્પિયન સ્કૂલ તથા અજમેરની મેયો કોલેજમાંથી ભાઈઓ સાથે અભ્યાસ કર્યો હતો. રણધીર કપૂર મોટા ભાઈ તથા રાજીવ કપૂર નાના ભાઈ છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ તેમની બહેન રીતુ નંદાનું નિધન થયું હતું.

ઋષિ કપૂરે 1970માં ઋષિ એ પિતાની ફિલ્મ ‘મેરા નામ જોકર’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં પિતાના નાનપણનો રોલ પ્લે કર્યો હતો. ઋષિ એ 1973માં ‘બોબી’થી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1973-2000 સુધી 92 ફિલ્મ કરી હતી અને તેમાં રોમેન્ટિક હીરનો રોલ પ્લે કર્યો હતો. તેમણે સોલો લીડ એક્ટર તરીકે 51 ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ પોતાના સમયના ચોકલેટી હીરો હતાં. પત્ની નીતુ સાથે 12 ફિલ્મમાં કામ કર્યું હતું.

1998માં તેમણે ‘આ અબ લૌટ ચલે’ને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અક્ષય ખન્ના તથા ઐશ્વર્યા રાય હતી. તેમણે ‘અગ્નિપથ’માં નેગેટિવ રોલ પ્લે કર્યો હતો અને તેમને વિલન તરીકે જોઈને ચાહકો હેરાન રહી ગયા હતાં. આ ફિલ્મ માટે તેમને આઈફા બેસ્ટ નેગેટિવ રોલનો અવોર્ડ મળ્યો હતો. તેમની વિશેષતા એ હતી કે પરદા પર બાળકલાકાર (‘શ્રી 420’), કિશોરાવસ્થા (‘મેરા નામ જોકર’), યુવાવસ્થા (‘બૉબી’થી લઈને અઢળક ફિલ્મો) અને 90 વર્ષી વયોવૃદ્ધ (‘કપૂર ઍન્ડ સન્સ’)ની ભૂમિકા ભજવનાર કદાચ તેઓ બોલીવુડના એકમાત્ર કલાકાર હતા.