અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જંગી ટેરિફનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે રૂ.45,000 કરોડ અથવા  $5.1 બિલિયન ડોલરના એક પેકેજને બુધવારે મંજૂરી આપી હતી. તેમાં રૂ.25,000 કરોડના બહુપ્રતિક્ષિત નિકાસ પ્રમોશન મિશન અને રૂ.20,000 કરોડની ક્રેડિટ ગેરંટી સ્કીમનો સમાવેશ થાય છે. નિકાસ પ્રમોશન મિશન હેઠળ સરકાર લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપશે.
સરકારે જણાવ્યું હતું કે નિકાસ પ્રમોશન મિશન (EPM) હેઠળ ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ (IES) અને માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ (MAI) જેવી અલગ અલગ યોજનાઓને એક પ્લેટફોર્મ  હેઠળ લાવવામાં આવશે અને તેને પરિણામ આધારિત બનાવશે. આ મિશન વૈશ્વિક પડકારો અને નિકાસકારોની જરૂરિયાત મુજબ ઝડપથી પ્રતિસાદ આપશે. આ યોજનાને નાણાકીય વર્ષ 2026થી 2031 સુધીના સમયગાળા માટે મંજૂરી અપાઈ છે.
આ મિશન બે સંકલિત પેટા-યોજનાઓ નિર્યાત પ્રોત્સાહન અને નિર્યાત દિશા કામગીરી કરશે. પ્રથમ યોજના હેઠળ સસ્તા વ્યાજદરે વેપાર ધિરાણની ઉપલબ્ધતામાં વધારો કરાશે. તે માટે વ્યાજમાફી, નિકાસ ફેક્ટરિંગ, કોલેટરલ ગેરંટી, ક્રેડિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરાશે.
બીજી તરફ નિર્યાત દિશા યોજના હેઠળ બજારમાં સ્પર્ધાત્મકતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે. આ યોજના હેઠળ સરકાર નિકાસ વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ, પરિવહન વળતર અને વેપારની ગુપ્ત માહિતી અને ક્ષમતા-નિર્માણ પહેલ મારફત સમર્થન આપશે.
કેબિનેટે મંજૂરી આપેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજનાનો ઉદ્દેશ્ય નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) દ્વારા સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLI)ને 100% ક્રેડિટ ગેરંટી કવરેજ પૂરું પાડવાનો છે. આનાથી MSME સહિત લાયક નિકાસકારોને રૂ.20,000 કરોડ સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ મળશે.

LEAVE A REPLY