કરિયાણાના ઊંચા ભાવ અંગે અમેરિકન ગ્રાહકોમાં વધી રહેલા રોષને ધ્યાનમાં રાખીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોફી, બીફ, કેળા અને નારંગીના રસ સહિત 200થી વધુ ખાદ્ય ચીજવસ્તુઓ પરની ટેરિફ પાછી ખેંચી લીધી હતી. ગુરુવારની મધ્યરાત્રિની પૂર્વવર્તી રીતે અમલમાં આવેલી આ ટેરિફ નાબૂદી ટ્રમ્પની નીતમાં મોટો ઉલટફેર દર્શાવે છે.
ટેરિફથી ગ્રાહક ફુગાવામાં વધારો થયો હોવાનું સ્વીકારીને ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે કોફી જેવી કેટલાંક ખાદ્યચીજવસ્તુઓ પરની ટેરિફને થોડી પાછી ખેંચી લીધી છે. ટેરિફથી કેટલાંક કિસ્સામાં ગ્રાહક ભાવોને અસર થઈ છે, પરંતુ ટેરિફનો મોટાભાગનો બોજ બીજા દેશો પર પડ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ચા, ફ્રૂટ જ્યુસ, કોકો, મસાલા, કેળા, નારંગી, ટામેટાં અને કેટલાંક ખાતરો પરની ટેરિફ નાબૂદ કરવા એક એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં.
ઊંચી ટેરિફની કારણે અમેરિકામાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો છે અને તેનાથી ટ્રમ્પ વહીવટીતંત્ર પર ભારે દબાણ આવ્યું હતું. ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને યુએસ અર્થતંત્રને વેગ આપવા આપવાની આશામાં યુએસમાં આયાત થતી ચીજવસ્તુઓ પર જંગી ડ્યૂટીની ધડાધડ જાહેરાતો કરી હતી. આનાથી આવશ્યક ચીજવસ્તુઓ અને ખાદ્યચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. વધુમાં આ મહિને થયેલી મધ્યસત્ર ચૂંટણીમાં મતદારોએ આર્થિક ચિંતાને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને તેનાથી વર્જિનિયા, ન્યૂજર્સી અને બીજા કેટલાંક રાજ્યોમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો પરાજય થયો હતો. તેનાથી ટ્રમ્પને ટેરિફ નીતિમાં અચાનક પીછેહટ કરવી પડી છે.
ફુગાવો નાબૂદ થયો હોવાની ટ્રમ્પે જાહેરાત કરી હોવા છતાં અમેરિકામાં ફુગાવો હજુ પણ ઊંચો છે, તેનાથી ગ્રાહકો પર દબાણમાં વધારો થઈ રહ્યો છે.
ટેરિફ નાબૂદીની જાહેરાત પછી ટ્રમ્પની ટીકા કરતાં વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ હવે સ્વીકારી રહ્યાં છે કે તેમની નીતિથી અમેરિકાના ગ્રાહકોના ખિસ્સા ખાલી થઈ રહ્યાં છે. વર્જિનિયાના ડેમોક્રેટિક પ્રતિનિધિ ડોન બેયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પ આખરે એ બાબત સ્વીકારી રહ્યા છે કે તેમની ટેરિફ અમેરિકન લોકો માટે કિંમતો વધારી રહી છે. ગોમાંસના રેકોર્ડ ઊંચા ભાવ મોટી ચિંતાનો વિષય હતો. મુખ્ય બીફ નિકાસકાર દેશ બ્રાઝિલ સામે ટ્રમ્પે જંગી ટેરિફ લાદેલી છે.
ટ્રમ્પના નિર્ણયને આવકતાં ફૂડ ઇન્ડસ્ટ્રી એસોસિએશને જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની આયાત પર ટેરિફ ઘટાડવાની જાહેરાત ગ્રાહકોને પરવડી શકે તેવા ભાવે પૂરતો પુરવઠો ચાલુ રાખવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.












