અમેરિકાએ 10 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેનને મિલિટરી સહાય મોકલી હતી. REUTERS/Valentyn Ogirenko

રશિયા -યુક્રેન વચ્ચે તંગદિલીમાં વધારો થઈ રહ્યો છે. રશિયાના લશ્કરી દળોએ રવિવારે દાવો કર્યો હતો કે, આર્મીએ રશિયાની સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા યુક્રેન આર્મીના બે હથિયારબંધ વાહનોને ઉડાવી દીધા હતા. રશિયાની મીડિયાના રિપોર્ટ મુજબ રશિયાની આર્મીએ 5 યુક્રેની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેઓ રશિયાના વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રશિયાની સાઉથર્ન મિલેટ્રી ડિસ્ટ્રિક્ટની પ્રેસ સર્વિસના એક રિપોર્ટને આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉથર્ન મિલેટ્રી ડિસ્ટ્રિક્ટના એક યુનિટે રશિયાની એફએસબીની સરહદ ટુકડી સાથે મળીને યુક્રેન તરફથી આવતાં વિદ્રોહીઓના એક સમૂહને ઘૂસણખોરી કરતાં અટકાવ્યું હતું, જે દરમિયાન બે હથિયારબંધ વાહનોને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સંઘર્ષમાં યુક્રન આર્મીના 5 જવાનો માર્યા ગયા હતા.

રિપોર્ટ મુજબ આ ઘટના યુક્રેન અને રશિયાના સરહદ વિસ્તારની છે. રશિયાની સેનાના એન્ટી ટેન્ક હથિયારોનો ઉપયોગ કરીને યુક્રેન આર્મીના વાહનોને નષ્ટ કર્યા હતા. જોકે યુક્રેનના વિદેશ પ્રધાને રશિયાની આર્મી દ્વારા કરવામાં આવેલા દાવાને ફગાવી દીધા હતા. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, યુક્રેન તરફથી આવુ કંઈ કરવામાં આવ્યું નથી. તેમણે રશિયા તરફથી કરવામાં આવેલા ઘૂસણખોરીના આરોપોને નકાર્યા હતા.

બીજી તરફ યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી ચૂકેલુ રશિયા યુક્રેન પર હુમલા કરવાના આરોપ લગાવી રહ્યું છે. સોમવારે રશિયાએ યુક્રેન પર આરોપ લગાવ્યા છે કે, એણે કરેલા મોર્ટાર હુમલામાં રોસ્તોવ સરહદ પર બોર્ડર ગાર્ડ પોસ્ટને નષ્ટ કરી છે. જ્યારે યુક્રેન આ આરોપોને ફગાવીને આરોપ લગાવી રહ્યું છે કે, રશિયની સેનાની મદદથી લડવૈયા પૂર્વ યુક્રેનમાં ઘૂસી ચૂક્યા છે અને વિદ્રોહને હવા આપી રહ્યા છે.

આ પ્રકારના ઘટનાક્રમ પર અમેરિકા અનુમાન લગાવી રહ્યું છે કે, ફોલ્સ ફ્લેગ અભિયાન રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું બહાનુ આપી રહ્યા છે. ફોલ્સ ફ્લેગ એની સેના કાર્યવાહી છે જેમાં એક દેશ ચોરીછુપે, જાણીજોઈને પોતાની સંપત્તિને નુકસાન પહોંચાડે છે અને દુનિયા સામે દાવો કરે છે કે, દુશ્મન દેશે આમ કરી રહ્યો છે.