વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું છે ત્યારે કાશી વિશ્વનાથધામ કોરિડોરની કેટલીક ખાસિયતો પણ છે.
કાશી વિશ્વનાથ કોરિડોર પાંચ લાખ ચોરસ ફૂટમાં જગ્યામાં પથરાયેલો છે અને તેના માટે કુલ રૂ. 900 કરોડના ખર્ચનો અંદાજ છે. હવે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે ભક્તોએ સાંકડા રસ્તા અને ગલીઓમાંથી પસાર નહીં થવું પડે. ભક્તો હવે ગંગા ઘાટ પરથી સીધા કોરિડોરમાં દાખલ થઈને સીધા મંદિરે પહોંચી શકશે. આમ, કોરિડોર બન્યા પછી ગંગા કિનારેથી બાબા વિશ્વનાથના દર્શન થઈ શકશે.
કોરિડોર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. જેમાં ચાર મોટા ગેટ અને પ્રદક્ષિણા પથ છે, જેને આરસના પથ્થરોથી જડવામાં આવ્યો છે. આખા રસ્તા પર શિલાલેખમાં કાશીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.
બાંધકામ માટે ગુલાબી પથ્થર, સફેદ આરસ અને વિયેતનામના ખાસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિશ્વનાથ ધામમાં મહાદેવજીના પ્રિય રુદ્રાક્ષ, બેલ, પારિજાત અને અશોક વૃક્ષ લગાવવામાં આવશે.
મંદિરમાં આ પ્રસંગે તૈયાર થયેલો પ્રસાદ આઠ લાખ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યા હતો.
પ્રોજેકટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં કર્યો હતો. યુપી સરકારે એ પછી આસપાસની ઘણી ઈમારતોનુ સંપાદન કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી વારાણસીથી બે વાર સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી તેઓ પ્રોજેક્ટમાં વિશેષ રસ લઇ રહ્યા છે.
અત્યારે બનારસમાં દિવાળી જેવો માહોલ છે. 32 મહિનામાં બાબા વિશ્વનાથ મંદિરના પરિસરની કાયાપલટ થઈ ગઈ છે. હિન્દુઓની સૌથી પવિત્ર નગરી ગણાતી કાશીનો પણ એક આગવો ઈતિહાસ છે. ઈતિહાસકારો કહે છે કે, વિશ્નનાથ મંદિરનુ નિર્માણ અકબરના દરબારના નવ રત્નો પૈકીના એક રાજા ટોડરમલે કરાવ્યું હતું. 100 વર્ષ પછી ઔરંગઝેબની સેનાએ મંદિરને ધ્વસ્ત કર્યુ હતું અને એ પછી 125 વર્ષ સુધી મંદિર એ જ હાલતમાં રહ્યું હતું.
વર્ષ 1735માં ઈન્દોરનાં મહારાણી દેવી અહલ્યાબાઈએ મંદિરનુ જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. એ પછી મહારાજા રણજિતસિંહે વર્ષ 1853માં મંદિરના શિખર તેમજ બીજી જગ્યાઓને સોનેથી મઢી હતી. હવે 286 વર્ષ પછી મંદિરનો ફરીથી આધુનિક જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.