ફિલ્મસ્ટાર સલમાન ખાનને શનિવારે રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન પનવેલ ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં ત્યારે આ ઘટના બની હતી. જોકે સલમાનની તબિયત અત્યારે સારી છે પરંતુ તેમને સારવાર માટે મોડી રાતે હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
સલમાનને જે સાપે ડંખ માર્યો હતો તે બિનઝેરી હતો પરંતુ તેમને તાત્કાલિક નવી મુંબઈ ખાતેની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ રવિવારે સવારે 9:00 વાગ્યે તેઓ ફાર્મહાઉસમાં પરત આવી ગયા હતા.
27 ડિસેમ્બરે સલમાનનો 56મો જન્મદિવસ છે. સલમાન ક્રિસમસની ઉજવણી માટે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફાર્મ હાઉસ પહોંચ્યા હતા જ્યાં આ ઘટના બની હતી. તેમના ફાર્મ હાઉસની આજુબાજુ જંગલ અને પર્વતો છે.