કેનેડામાં શનિવારે ઓન્ટારિયો હાઇવે પર માર્ગ અકસ્માતમાં ભારતના પાંચ વિદ્યાર્થીના દુઃખદ મોત થયા હતા અને બે મુસાફરો ઘાયલ થયા હતા. પેસેન્જર વાન એક ટ્રેકટર-ટ્રેલર સાથે અથડાતા આ અકસ્માત થયો હતો, એમ કેનેડા ખાતેના ભારતીય હાઇ કમિશનર અજય બિસારિયાએ સોમવાર (14 માર્ચ)એ જણાવ્યું હતું.

ભારતીય રાજદૂતે ટ્વીટર પર જણાવ્યું હતું કે ટોરોન્ટોમાં ઇન્ડિયન એમ્બેસી મૃતકોના મિત્રોને મદદ માટે શક્ય તમામ સહાય આપી રહી છે. તેમણે જણાવ્યું છે કે, કેનેડામાં હૃદયદ્રાવક ઘટના બની છે, શનિવારે ટોરેન્ટો પાસે થયેલા અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. બે ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે.

ક્વીન્ટ વેસ્ટ ઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલીસ (ઓપીપી)ના જણાવ્યા મુજબ રોડ અકસ્માતમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓમાં હરપ્રિત સિંઘ, જસપિન્દર સિંઘ, કરણપાલ સિંઘ, મોહિત ચૌહાણ અને પવન કુમારનો સમાવેશ થાય છે. મૃતક વિદ્યાર્થીઓની ઉંમર 21થી 24 વર્ષની વચ્ચેની છે.

ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરે પણ ટ્વીટ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બીજા બે મુસાફરોને ગંભીર ઇજાઓ સાથે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતની તપાસ ચાલુ છે. આ તમામ વિદ્યાર્થીઓએ ગ્રેટર ટોરોન્ટો અને મોનસ્ટ્રીયલ એરિયાના હતા.