પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડાપ્રધાન બોરિસ જોન્સને સંવેદનશીલ અને કી વર્કરના બાળકો સિવાય ઓછામાં ઓછા આવતા છ અઠવાડિયા માટે પ્રાથમિક, માધ્યમિક અને ફર્ધર એજ્યુકેશન કોલેજો બંધ રાખવા જણાવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને તેમને કહેવામાં આવે છે કે તેમણે ઘરેથી જ અભ્યાસ કરવો જોઇએ. ફેબ્રુઆરીના મધ્ય ગાળા પછી શાળાઓ ફરીથી ખોલીને લોકડાઉનથી સતત આગળ વધારવામાં આવશે તેવી આશા છે. પરંતુ હવે પરત ફરવાની તારીખ પણ વાયરસનો સામનો કરવામાં કેટલી પ્રગતિ થઇ તેના પર આધારીત છે.

બધી શાળાઓ અને કોલેજોના મોટાભાગના વિદ્યાર્થીઓને ઘરે જ રહેવા અને મંગળવાર તા. 5થી રીમોટ લર્નિંગથી એટલે કે ઓનલાઇન ભણવા જણાવાયું છે. સ્કૂલને ખુલ્લી રાખવી એ સરકારની સૌથી મોટી અગત્યતા હતી અને થોડા અઠવાડિયા પહેલા તો તેઓ શાળાઓ બંધ કરવા માંગતી કાઉન્સિલને ધમકી આપતા હતા. પરંતુ હવે સ્થિતી બદલાઇ ગઇ છે. શિક્ષકોએ સરકારે છેલ્લી ઘડીએ ફરીથી તેની યોજનાઓ બદલીને જે ‘ગાંડપણ’ કર્યું તેની નિંદા કરી હતી.

ગયા વર્ષના રિપ્લેસમેન્ટ ગ્રેડની અરાજકતા પછી પણ, જીસીએસઇ અને એ-લેવલની પરિક્ષાઓ  ફરીથી રદ કરવામાં આવી છે. નવી રિપ્લેસમેન્ટ સિસ્ટમ અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે. વોકેશનલ પરીક્ષાઓ ચાલુ રાખવાની છે.

હોમ સ્કૂલિંગ ભયજનક છે અને વધુ સારી રીતે વિદ્યાર્થીઓને ટેકો આપવા વધુ કમ્પ્યુટર ડિવાઇસીસ ઉપલબ્ધ કરાવાશે અને ઑફસ્ટેડ ઇન્સ્પેક્ટર તપાસ કરશે કે શાળાઓ શું ઓફર કરે છે. શિક્ષણ વિભાગ અને એક્ઝામ રેગ્યુલેટર્સ ઑફક્વૉલે હજી સુધી અપડેટ કરેલી પરીક્ષા યોજનાની વિગતો આપી નથી. ઉનાળાની સ્કૂલની પરીક્ષા રદ કરવાની સ્કોટલેન્ડ  અગાઉ જાહેરાત કરી ચૂકી છે.

ગઈકાલે સાંજે ડાઉનિંગ સ્ટ્રીટથી રાષ્ટ્રને સંબોધન દરમિયાન જોન્સને કહ્યું હતું કે મંત્રીઓ ‘રોગના ફેલાવોને રોકવા માટે શક્ય તેટલું બધું કરી શકે છે અને કડક પગલા લીધા વગર સરકાર પાસે કોઈ વિકલ્પ નથી. હું આ અસુવિધા અને તકલીફને સંપૂર્ણ રીતે સમજુ છું. ગેવિન વિલિયમસન આવતા અઠવાડિયામાં વિદ્યાર્થીઓના એસેસમેન્ટ માટે ‘વૈકલ્પિક વ્યવસ્થા’ કરવાની જાહેરાત કરશે.

20 ડિસેમ્બરથી ટિયર 4 લૉકડાઉનમાં પ્રવેશનાર અને નવેમ્બરમાં સર્કિટ બ્રેકર લાદવા છતાં વધતા જતા કેસ સામે લડવા માટે વેલ્સ બે અઠવાડિયાં માટે એટલે કે ઓછામાં ઓછી 18 મી જાન્યુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે અને ઑનલાઇન ભણાવવામાં આવશે.

ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડે પરિસ્થિતિ ‘બગડતી’ જાય છે ત્યારે કઠોર પગલાં જરૂરી છે.