ગાંધીનગરમાં 13 ઓગસ્ટ 2021ના રોજ ઇન્વેસ્ટર સમીટ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી ((PTI Photo)

કેન્દ્રિય રોજ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપેજ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ મારફત નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રોડ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી ઉપસ્થિતિ રહ્યાં હતા.

ઓટો કંપની ટાટા મોટર્સે શુક્રવારે જણાવ્યું હતું કે કંપની વ્હિકલ સ્ક્રેપિંગ ફેસિલિટીની સ્થાપનામાં મદદ કરવા ગુજરાત સરકાર સાથે હાથ મિલાવ્યા છે. કંપનીએ પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ મારફત ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. પેસેન્જર અને કોમર્શિયલ એમ બંને પ્રકારના વ્હિકલ માટેના સ્ક્રેપેજ સેન્ટરની ક્ષમતા વાર્ષિક ધોરણે 36,000 વાહનોને રિસાઇકલ કરવાની હશે. ટાટા મોટર્સ એક ભાગીદારના સહયોગમાં સ્ક્રેપિંગ સેન્ટર સ્થાપશે.

રાજ્ય સરકારે કેન્દ્રની નવી નીતિ હેઠળ ભાવનગરના અલંગ ઉપરાંત કચ્છમાં પણ જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થાપવાનું નક્કી કર્યું છે. કેન્દ્રની નવી નીતિ જે પહેલી ઓક્ટોબર, 2021થી અમલમાં આવી રહી છે તે નીતિ મુજબ 15 વર્ષ જૂના કર્મિશયલ વાહનો તથા 20 વર્ષ જૂના પેસેન્જર વાહનો જેઓ ફિટનેસ અને એમિશન ટેસ્ટમાં નાપાસ થાય તો તેને સ્ક્રેપ કરી નાખવાનું ફરજિયાત બનાવાયું છે. અલંગ અને કચ્છ ખાતે ઊભા થનારા વ્હિકલ સ્ક્રેપ પાર્કમાં મોટાભાગે દેશભરના વાહનો ઠલવાશે, જેને કારણે આ ઉદ્યોગમાં મોટા પાયે રોજગારીનું નવું સર્જન થવાની આશા છે.