અમદાવાદથી કેવડિયા સુધીની બંધ થયેલી સી-પ્લેન સેવા ફરીથી શરૂ કરવા ગુજરાત સરકારે આયોજન કર્યું છે. કહેવાય છે કે, આ સર્વિસ કોરોના અને સી-પ્લેન મરામત માટે મોકલવામાં આવ્યું હોવાથી બંધ કરવામાં આવી હતી. સાબરમતી નદી પર રીવરફ્રન્ટથી કેવડિયા કોલોની જતા આ સી-પ્લેનની સર્વિસ ફરી શરૂ કરવા માટે રાજ્યના સિવિલ એવિયેશન પ્રધાન પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, અમે યાત્રાધામોમાં પ્રવાસીઓની સુવિધા માટે હેલીપોર્ટ બનાવી રહ્યાં છીએ, જ્યારે અમદાવાદના રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે સી-પ્લેન ફરીથી શરૂ કરવા જઇ રહ્યાં છીએ.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 31મી ઓક્ટોબરના રોજ રીવરફ્રન્ટથી સી-પ્લેનમાં ઉડાન ભરી હતી અને યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ આ સર્વિસ શરૂ થયાના એક મહિના પછી બંધ થઇ ગઇ હતી. સી-પ્લેનને મેનન્ટેનન્સ માટે માલદિવ્સ લઇ જવામાં આવ્યું હતું જે ફરી એકવાર પરત ફર્યું હતું અને ડિસેમ્બરમાં શરૂ થયું હતું પરંતુ થોડાં સમય પછી ફરી તેને મેનન્ટેનન્સ માટે લઇ જવામાં આવ્યા પછી પાછું આવ્યું નથી. આ સેવા બંધ થતાં પાલીતાણા પાસે શેત્રૂંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરીથી વિલંબ થયો છે. આ બંન્ને સર્વિસ સ્પાઇસજેટ કંપની ઓપરેટ કરતી હતી.