વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો પ્રારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે કરાવ્યો હતો. તેમણે
સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આપણા લોકસંગીત, ભક્તિસંગીત, શાસ્ત્રીય કે સુગમ સંગીત હરેક સંગીતમાં આત્માથી પરમાત્માના સ્નેહનો અતુટ નાતો સ્વર સંગીતના સેતુથી રચાય છે.
બૌધ્ધ વિરાસતના અવશેષો સાચવીને બેઠેલું વડનગર સંગીત,કલા,ગાયન,વાદન,નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત છે.તેવુ જણાવી સોળમી સદીના આધ્યકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દીકરી શર્મિષ્ઠાની બે દીકરીઓ તાના-રીરી આ વડનગર ભૂમિમાં જન્મ લઇને સંગીતની આકરી આરાધનાથી રાગ- રાગણીઓનો ભક્તિ ભાવથી સત્કાર કર્યો છે.તેમણે તાના-રીરી બહેનોને ઐતિહાસિક વાત કરી જણાવ્યું હતું કે આ ગુર્જર નારી રત્નોની આત્મ સન્માન સ્વભિમાનની ગાથા તાના-રીરીએ સદાકાળ અમર કરી દીધી છે.
કલા,સાહિત્ય,સંસ્કૃતિ,સંગીતની વિરાસત રાજ્યઆશ્રિત ક્યારેય ના હોવો જોઇએ,રાજ્ય પુરસ્કૃતિત જ હોવો જોઇએ તેવો અમારો સ્પષ્ટ મત છે. રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠ બળ આપીને આવી કલા પ્રવૃતિનું જતન,સંવર્ધન અને માવજતનું દાયિત્વ નિભાવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિધાલય પરફોર્મિંગ આર્ટસ કોલેજ વડનગર ખાતે શરૂ કરવામાં આવી છે. આ કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ મ્યુઝિક અને ભારતીય નૃત્ય પરંપરાના છ મહિનાના ટુંકા કોર્ષ ચાલી રહ્યા છે. તેમજ ડિગ્રી ડિપ્લોના અભ્યાસક્રમોનો આયોજન છે. હાલ 130 વિધાર્થીઓ અભ્યાસ કરી પારંગત થઇ રહ્યા છે.