સાજીદ જાવિદ

16મી ઓગસ્ટ સુધી રસીના બે ડોઝ લીધા હશે તે લોકો અને જે બાળકોને વાઇરસનો ચેપ લાગશે તો તેવા સંજોગોમાં તેમણે સેલ્ફ આઇસોલેટ થવું જ પડશે એમ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે મંગળવારે કહ્યું હતું.

સાજિદ જાવિદે સ્વીકાર્યું હતું કે આ ઉનાળામાં કોવિડના ચેપના કેસો એક દિવસમાં 100,000ની ટોચ પર પહોંચી શકે છે. પણ તેમ છતાં તેમણે 19 જુલાઇના અનલૉકિંગના પગલાનો બચાવ કર્યો હતો.

શ્રી જાવિદે કહ્યું હતું કે ‘’19 જુલાઇના ‘ફ્રીડમ ડે’ પછી હું અપેક્ષા રાખુ છું કે દૈનિક કેસો વર્તમાન સ્તર કરતાં બમણા એટલે કે 50,000 કે પછી તેમાં નોંધપાત્ર વધારા સાથે 100,000 કેસ થઇ શકે છે. સરકારે રોડ મેપના આગલા તબક્કે માસ્કનો ઉપયોગ સ્વૈચ્છિક બનશે તેવી જાહેરાત કરી હોવા છતાં હું ‘નજીકના ભવિષ્ય’માં માસ્કનો ઉપયોગ કરીશ. આ કોઈની વ્યક્તિગત જવાબદારી છે. નજીકના ભવિષ્યમાં હું મારી સાથે ફેસ માસ્ક લઇને જ જઇશ. કેમ કે રોગચાળો હજૂ સમાપ્ત થયો નથી. જો હું ગીચ અથવા બંધ જગ્યામાં હોઇશ તો હું ફેસ માસ્ક પહેરીશ.’’

પ્રોફેસર લૉકડાઉન તરીકે ઓળખાતા પ્રો. નીલ ફર્ગ્યુસને કહ્યું હતું કે ‘’કેસીસ હજી પણ ઉંચા જઈ શકે છે, પરંતુ ‘આશાવાદી’ વડા પ્રધાનનો લોકોને મુક્ત કરવા પ્રતિબંધોને હળવા કરવાનો ‘જુગાર’ કામ કરશે. બીજા તરંગની ટોચ પર 50,000 કેસ આવશે તો મોતની સંખ્યા પહેલાની જેમ 500 નહિં પણ 50 જેટલી જ રહેશે. પણ જો એક દિવસમાં લાખ-બે લાખ કેસો આવે તો તે આરોગ્ય પ્રણાલી પર થોડું દબાણ લાવી શકે છે. આ થોડો જુગાર છે, આ ક્ષણે આ થોડો પ્રયોગ છે, અને મને લાગે છે કે તે વાજબી છે અને હું આશાવાદી છું, પરંતુ નીતિ ફ્લેક્સીબલ રહેશે.’’

જો કે વૈજ્ઞાનિકોએ સાફ ચેતવણી આપી હતી કે ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં ઉછાળો આવતા આપેલી મુક્તિ અને સામાન્યતા થોડા અઠવાડિયા સુધી જ રહેશે.

આવતા મહિનાના મધ્યભાગથી (ઓગસ્ટ 15 પછી), જેમણે બે ડોઝ મેળવ્યા છે અને બીજો ડોઝ ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલાં લીધો છે તેવા લોકો અને 18 કરતા ઓછી વયના લોકોએ સેલ્ફ આઇસોલેટ થવાની જગ્યાએ પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે.