ધ ઈન્ડિપેન્ડન્ટ અખબારે કરેલા ઇન્વેસ્ટીગેશનમાં એક વર્ષમાં લગભગ 19,000 બાળકોનુ જાતિય શોષણ (સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન) કરાયાનું જણાયા પછી NSPCCએ ગ્રુમિંગ ગેંગ્સ સામે વધુ કડક અભિગમની હાકલ કરી છે. ભોગ બનેલા કેટલાક બાળકો તો એટલા માસુમ છે કે તેમને એ પણ સમજાતું નથી કે તેમનો દુરૂપયોગ કરાઈ રહ્યો છે.
ચળવળકારોએ તો એવી ચેતવણી આપી છે કે રોધરહામ અને અન્યત્ર કરાયેલી ભૂલોનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યુ છે. NSPCCએ કહ્યું હતુ કે ભોગ બનેલા લોકોને તેમના શોષણના કારણે લાગેલા આઘાતના પગલે આખી જિંદગી સંઘર્ષ કરવો પડશે.
એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે હજારો બાળકો માટે ઉપલબ્ધ મદદમાં દેશવ્યાપી કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. ગ્રુમિંગ કરનારા લોકોની કપટી નીતિને આ યુવાન લોકો ઘણીવાર ઓળખી શકતા નથી કે તેમની સાથે જે થઈ રહ્યું છે તે તેમનો દુરુપયોગ છે. આપણે સૌ પ્રથમ તો આ શોષણથી બચવા માટે ગ્રુમિંગ કરનારાઓના હેતુ અને યુક્તિ વિશેની આપણી સમજ સુધારવા વધુ પ્રયત્નો કરવાની અને આ માટે આમૂલ પુનર્વિચારની જરૂર છે.”
NSPCCએ ભોગ બનેલા લોકોને ઓળખવા અને દુરુપયોગ રોકવા માટે પોલીસ, સ્થાનિક એનએચએસ સેવાઓ તથા ચિલ્ડ્રન વેલ્ફેર સેવાઓએ સાથે રહીને કામ કરવું જોઈએ તેવી માંગણી કરી હતી. કોર્ટમાં થયેલા કેસીઝને આધારે જણાયુ હતુ કે શોષણનો ભોગ બનેલી છોકરીઓ ખાસ કરીને કેરમાં રખાયેલી, સપોર્ટેડ એકોમોડેશનમાં રહેતી ને લર્નિંગ ડીફીકલ્ટી ધરાવતી હતી. રોધરહામ અને રોચડેલમાં હાઇ પ્રોફાઇલ કેસીઝ પછી વચનો આપ્યા હોવા છતાં સરકાર બાળકોનું શોષણ કાબુમાં રાખવામાં નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કરી ચળવળીઆઓએ જણાવ્યું હતું કે સાચો આંકડો ખૂબ ઊંચો છે. યુકેમાં બાળકો ઉપર બળાત્કાર અને જાતીય હુમલા સહિતના 76,204 કથિત ગુનાઓ નોધાયા હતા એટલે કે દર સાત મિનિટે સરેરાશ એક ગુનો નોંધાયો હતો.
સાજિદ જાવિદે 2018માં ગ્રુમિંગ કરતી ગેંગ્સની લાક્ષણિકતાઓની સમીક્ષા કરવાની ખાતરી આપી હાઇ-પ્રોફાઇલના કેસોમાં “પાકિસ્તાની મૂળના પુરુષોનું ઉચ્ચ પ્રમાણ” હોવાનુ અને “સાંસ્કૃતિક કારણો” જવાબદાર હોવાનું જણાવ્યું હતું.