અમેરિકાની ઓહિયો યુનિવર્સિટીના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અમેરિકામાંથી 16 હજાર વૈજ્ઞાનિકોને પાછા બોલાવી લીધા છે. ચીન આ વૈજ્ઞાનિકોની મદદથી પોતાના દેશમાં નવા સંશોધનો કરાવીને અમેરિકાને ટેકનોલોજીની બાબતમાં હંફાવવા માગે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પોતાના દેશને અમેરિકાથી પણ અગ્રેસર કરવા ચીને અમેરિકામાં તાલીમ પામેલા 16 હજાર કરતા વધુ વૈજ્ઞાનિકોને સ્વદેશ બોલાવી લીધા છે. યુનિવર્સિટીનાં આંકડા પ્રમાણે 2017માં 4500 ચીની વૈજ્ઞાનિકોએ અમેરિકા સ્વદેશની વાટ પકડી હતી.2010ની તુલનાએ આ આંકડો બમણો હતો. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં અમેરિકામાંથી મોટાભાગના ચીની વૈજ્ઞાનિકો દેશમાં પાછા ફર્યા હતા.
ચીને નવી વ્યૂહરચના અપનાવીને અમેરિકામાં તાલીમ પામેલા નિષ્ણાત ચીની વૈજ્ઞાનિકોને દેશના વિકાસમાં યોગદાન આપવા આવકાર્યા હતા. એ માટે ચીને આ વૈજ્ઞાનિકોને અમેરિકામાં મળતી સુવિધા કરતા વધુ સુવિધા આપવાની તૈયારી બતાવી હતી.
અમેરિકાથી ચીન પાછા ફરી રહેલા વૈજ્ઞાનિકોને ચીની સરકાર માતબર વળતર આપીને મોટા પ્રોજેક્ટનો હિસ્સો બનાવે છે. વળી, ચીને આંતરરાષ્ટ્રીય કરારો પ્રમાણે ઘણાં દેશો સાથે મળીને વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. આવાં પ્રોજેક્ટ્સમાં ચીની વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપવાનો કરાર ચીન કરે છે અને તેનો લાભ અમેરિકા-બ્રિટન સહિતના દેશોમાંથી પાછા ફરેલા ચીની મૂળના વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે.
અમેરિકાને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ટક્કર આપવા માટે ચીને ચાલાકીથી અમેરિકામાં જ તાલીમ પામેલા વૈજ્ઞાનિકોને પાછા બોલાવવાનો નવો રસ્તો અપનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લગભગ 29.30 લાખ એશિયન વિજ્ઞાનીઓ કાર્યરત છે. એમાં 9.5 લાખ ભારતીય વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકન સમીક્ષકોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે જો ચીની વૈજ્ઞાનિકોને સ્વદેશ પાછા ફરતા રોકવામાં નહીં આવે તો અમેરિકાના ઘણાં પ્રોજેક્ટ્સને ગંભીર અસર થશે.