શાહરુખ ખાનને બોલીવૂડમાં સૌથી મહેનતુ કલાકાર માનવામાં આવે છે, તે છેલ્લા 30 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. 60 વર્ષીય શાહરુખ હાલ પુત્રી સુહાનાને ઇન્ડસ્ટ્રીમાં લોંચ કરવા માટે ‘કિંગ’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. અમેરિકામાં આ ફિલ્મના શૂટિંગ ગોલ્ડ ટોબેકો સ્ટુડિયોમાં ચાલતું હતું ત્યારે એક અકસ્માત સર્જાયો હતો અને તેમાં શાહરુખને ઇજા થઈ છે.
આ ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘શાહરુખની ઇજા અંગે કોઈ ચોક્કસ માહિતી તો જાહેર કરવામાં આવી નથી પરંતુ શાહરુખ તેની ટીમ સાથે અમેરિકામાં છે, જ્યાં તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. આ ઇજા ખાસ ગંભીર નથી, પરંતુ મોટા ભાગે તેને સ્નાયુમાં કોઈ ઇજા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાહરુખને આટલા વર્ષોના કામ દરમિયાન સ્ટંટ કરતાં ઘણી વખત ઇજાઓ થઈ છે.’
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, શાહરુખને એક મહિના માટે આરામ કરવાની સલાહ અપાઈ છે, આથી હવે તેનું આગળનું શૂટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં શરૂ થશે. તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ સારી રીતે શૂટિંગ કરી શકશે.’ એવું પણ કહેવાય છે કે, શાહરુખના શૂટિંગ માટે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ફિલ્મ સિટી, ગોલ્ડન ટોબેકો અને યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં જે બૂકિંગ કરાવાયા હતા એ બધાં હવે રદ્ થઈ રહ્યાં છે. કિંગ ફિલ્મનું શૂટિંગ ભારતમાં પૂર્ણ થયા પછી યુરોપમાં થશે.
