ભારત-યુકે મુક્ત વેપાર કરારનું સ્વાગત કરતાં રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે તેનાથી ભારતીય અર્થતંત્રના અનેક ક્ષેત્રોને મદદ મળશે. ભારતે બીજા દેશો સાથે પણ આવા વેપાર કરાર કરવાની જરૂર છે. લંડનમાં ભારત અને યુકે વચ્ચે વેપાર કરાર પછી રિઝર્વ બેન્ક પ્રથમ પ્રતિક્રિયા આવી હતી.
મુંબઈમા મોડર્ન BFSI સમિટમાં બોલતા મલ્હોત્રાએ કહ્યું હતું કે બહુપક્ષીયતા કમનસીબે પાછળ રહી ગઈ છે, અને ભારતે બીજા દેશો સાથે આવા વધુ કરારોની જરૂર છે અને યુએસ સાથે વાટાઘાટો અગ્રીમ તબક્કામાં છે. ઇન્ડિયા-યુકે ટ્રેડ ડીલથી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ એમ બંને ક્ષેત્રોને લાભ થશે.
દરમિયાન, મલ્હોત્રાએ ફેડરલ રિઝર્વની સ્વતંત્રતાને જાળવી રાખવાના તેમના યુએસ સમકક્ષ જેરોમ પોવેલના પ્રયાસોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેઓ (પોવેલ) ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે તેમણે પ્રશંસનીય કામ કર્યું છે.
ક્રિપ્ટોકરન્સીના નિયમો અંગે મલ્હોત્રાએ કહ્યું કે ભારતમાં આ મુદ્દાની તપાસ માટે સરકારે નિયુક્ત કરેલી પેનલ RBIની ચિંતાઓને ધ્યાનમાં લેશે.
બ્રિક્સ દેશો ડોલરનું વર્ચસ્વ તોડવા માટે પોતાના ચલણની વિચારણા કરી રહ્યાં હોવાના અહેવાલ વચ્ચે આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશો માટે અલગ ચલણ માટે કોઇ કામગીરી થઈ રહી નથી. અન્ય કોઈપણ દેશની જેમ, ભારત પણ પોતાની ચલણને લોકપ્રિય બનાવવા પર કામ કરી રહ્યું છે અને યુએસ ડોલર પણ રહેશે. ભારતનો યુએઈ સાથે કરાર છે અને તે માલદીવ સાથે રૂપિયાના વેપાર અંગે કેટલીક સમજૂતી પર પણ વિચાર કરી રહ્યું છે.ડોલર અહીં છે અને તે અહીં રહેશે. તે એટલા માટે છે કારણ કે તમારે કેટલાક સાર્વત્રિક ક્રોસ-બોર્ડર ચલણની જરૂર પડે છે.
