એક સમયે લંડનના બેથનલ ગ્રીનમાં રહેતી અને 2015માં માત્ર 15 વર્ષની વયે યુકેથી બે અન્ય મિત્રો સાથે ઇસ્લામિક સ્ટેટ જૂથમાં જોડાવા માટે સીરીયા જતી રહેલી શ્રીમતી શમીમા બેગમને તેનું બ્રિટિશ નાગરિકત્વ છીનવી લેવાના નિર્ણય સામે લડત આપવા માટે યુકે પાછા ફરવાની છૂટ આપવી જોઈએ તેવો કોર્ટે હુકમ કર્યો હતો.

હાલમાં 20 વર્ષની શમીમા 2019માં એક શરણાર્થી કેમ્પમાંથી મળી આવ્યા બાદ સુરક્ષાના આધારે હોમ ઑફિસ દ્વારા તેની નાગરિકતા રદ કરવામાં આવી હતી. કોર્ટ ઓફ અપીલે કહ્યું હતું કે ‘’તેને સુનાવણીનો ઇનકાર કરવામાં આવ્યો હતો કારણ કે તે સીરિયન કેમ્પમાંથી પોતાનો કેસ લડી શકે તેમ ન હતી.’’ હોમ ઑફિસે કહ્યું હતું કે આ નિર્ણય “ખૂબ જ નિરાશાજનક” છે અને તે “અપીલ કરવાની પરવાનગી માટે અરજી કરશે.

લોર્ડ જસ્ટિસ ફ્લેક્સ, લેડી જસ્ટીસ કિંગ અને લોર્ડ જસ્ટિસ સિંઘની પેનલે કહ્યું હતું કે “પ્રમાણિક વ્યવહાર અને ન્યાયના પાલન માટે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા કર્યા કરતા અપીલ દાખલ કરવાની રજાને મંજૂરી આપવી જોઈએ.”

બેગમનુ નાગરિકત્વ છીનવી લેવાનો નિર્ણય કરનાર ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ “ચુકાદા અંગે ખૂબ ચિંતિત છે. બેગમ યુકે આવે પછી તેને દૂર કરવી અશક્ય સાબિત થશે”.